- વલસાડમાં સાંઈ સેવા મંડળ મહા રક્તદાન શિબિરનું આયોજન
- ભાજપ પ્રદેશ પમુખ સી આર પાટીલ રહ્યા હાજર
- ચૂંટણીને લઈ કરી વાત
વલસાડઃ વલસાડ ખાતે એક્શન રિસોર્ટમાં ભાજપ અને સાંઈ સેવા મંડળ આયોજિત મહા રક્તદાન શિબિરમાં હાજરી આપવા માટે આવેલા ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે તાલુકા અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાશે. ચૂંટણીમાં ભાજપ દ્વારા કરવામાં આવેલું પેજ કમિટીનું આયોજન એ અણુબોમ્બ સમાન છે જે કોંગ્રેસનો સફાયો કરશે.
એક્શન રિસોર્ટમાં રાખવામાં આવેલા મહારક્તદાન શીબિરમાં હાજરી આપવા માટે આવેલા સી.આર.પાટીલે વલસાડ જિલ્લાની પેજ પ્રમુખ અને કમિટીના સભ્યોને આઈકાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું.
ચૂંટણીમાં બે બ્રહ્માસ્ત્ર છે જેનાથી ચૂંટણી જીતીશું
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સ્ટેજ ઉપરથી કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું કે, આગામી દિવસમાં આવી રહેલા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી દરમિયાન ભાજપ પાસે બે બ્રહ્માસ્ત્ર છે. જેમાં એક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ અને બીજુ પેજ કમિટીનું પ્લાનિંગ જેનો કોઈ ટોડ કોંગ્રેસ પાસે ઉપલબ્ધ નથી.
સી.આર. પાટીલે કહ્યું કે દરેક ઘર અને દરેક પેજ કમિટી અને પ્રમુખની કામગીરીનું માઈક્રો પ્લાનિંગ એ ભાજપનો અણુબોમ્બ છે, જે ચૂંટણી સમયે કોંગ્રેસ પાર ભારે પડી જશે અને કોંગ્રેસનો સફાયો નિશ્ચિત છે.
આમ, ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા અણુબોમ્બની વાત કરીને કાર્યકરોમાં ભારે ઉત્સાહનો સંચાર કરવામાં આવ્યો હતો અને તેમને 182 બેઠકો ઉપર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને પાલિકા બેઠકો ઉપર ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.