વાપી: 2જી ઓકટોબર ગાંધી જયંતિના દિવસે ખાદીના પ્રચાર-પ્રસાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકરો અને જનતાને ખાદી ખરીદવા આહવાન કર્યું હતું. જે અંતર્ગત વલસાડ જિલ્લાના વાપીમાં આવેલ ખાદી ભંડાર ખાતે વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ અને પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુ દેસાઈ, વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલ, વાપી શહેર ભાજપ સંગઠનના પ્રમુખ સતીશ પટેલ, નગર પાલિકાના નગરસેવકો અને ભાજપ કાર્યકરોએ ખાદીની ખરીદી કરી હતી.
આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ અને પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ગાંધીજી ખાદીના ઉપાસક હતા. તેના પ્રચાર-પ્રસાર દ્વારા ખાદી બનાવતા પરિવારના ઘરનો ચૂલો સળગતો રહે, રોજગારીનું સર્જન થાય તે માટે ખાદીના વસ્ત્રો પહેરવા પર ભાર મૂક્યો હતો. તેમની પ્રેરણાથી પ્રેરાઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકરોને બીજી ઓકટોબરના ખાદીની અચૂક ખરીદી કરવા આહવાન કર્યું હતું. જેને સાર્થક કરવા ખાદીની ખરીદી કરવામાં આવી હતી.
ભાજપ દ્વારા રવિવારે વાપીના ખાદી ભંડાર માંથી અંદાજિત 25 હજાર રૂપિયાની ખાદીની ખરીદી કરી હતી. અને ખાદીના પ્રચાર-પ્રસારમાં પોતાનું યોગદાન આપ્યું હતું.