- વલસાડમાં ભાજપ પ્રદેશ પ્રમુખની પાઠશાળા
- કાર્યકરોને વિવિધ પાઠ ભણાવવામાં આવ્યા
- કાર્યક્રમમાં પદાધિકારીઓ કાર્યકરો સાથે બેઠા
વલસાડ: ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ આજે શુક્રવારે વલસાડ જિલ્લાની મુલાકાતે હતા. જ્યાં તેમણે જિલ્લામાં ભાજપના કાર્યકર્તાઓના પ્રશિક્ષણ વર્ગમાં હાજરી આપી હતી. સાથે જ આ કાર્યક્રમમાં વલસાડ વિધાનસભા મતવિસ્તારના ભાજપના પેજ પ્રમુખના કાર્ડનું વિતરણ અને તેમના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓના પ્રશિક્ષણ વર્ગમાં તેમણે સોશિયલ મીડિયાનું મહત્વ સમજાવ્યું હતું અને સોશિયલ મીડિયાનો વધુમાં વધુ ઉપયોગ કરી લોકોના વચ્ચે રહેવાનો પ્રયાસ તમામ પાર્ટી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કરે તેવી સૂચન કર્યું હતું.
અધિકારીઓ સાથેની મિત્રતા તોડી નાંખવા જણાવ્યું
કાર્યકર્તાઓને સંબોધતી વખતે સી. આર. પાટીલે કાર્યકર્તાઓએ અધિકારીઓ સાથે દોસ્તી ન રાખવા માટે ટકોર કરી હતી. અધિકારીઓની જગ્યાએ પાર્ટીના પદાધિકારીઓને વધારે મહત્વ આપવાનું કહ્યું હતું અને જે કાર્યકર્તાઓને અધિકારીઓ સાથે દોસ્તી હોય એ કાર્યકર્તાઓને અધિકારીઓ સાથેની દોસ્તી તોડી નાખવા માટે પણ ટકોર કરી હતી. જોકે, કોંગ્રેસ દ્વારા યોજાઇ રહેલી કોવિડ 19 યાત્રા દરમિયાન કોંગ્રેસ દ્વારા કોરોના મૃતકોના સ્વજનો પાસેથી ભરાવવામાં આવતા રૂપિયા 4 લાખના વળતરના ફોર્મ અંગે પણ સી. આર. પાટીલે કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો.
હવે ભાજપના પદાધિકારીઓ સ્ટેજ પર નહીં બેસે
કાર્યક્રમમાં સી. આર. પાટીલે ભાજપના સામાન્ય કાર્યકર્તાને પણ સન્માન મળે તે માટે પાર્ટી હવેથી એક નવા નિયમ અપાનાવી રહી છે. જે મુજબ હવે ભાજપના તમામ કાર્યક્રમોમાં ભાજપના અગ્રણીઓ સ્ટેજ પર બેસવાની જગ્યાએ કાર્યકર્તાઓની સાથે સ્ટેજની નીચે જ બેસશે. આજના કાર્યક્રમથી જ આ પ્રણાલીની શરુઆત કરવામાં આવી હતી. સી. આર. પાટીલ સહિત ભાજપના તમામ અગ્રણીઓ સ્ટેજ પર બેસવાની જગ્યાએ સ્ટેજની નીચે કાર્યકર્તાઓની સાથે જ બેઠા હતા.