વલસાડઃ લોકડાઉન 4નો અમલ શરૂ થયો છે, ત્યારે વલસાડ જિલ્લામાં પણ પોલીસ દ્વારા રાત્રિના સાથી સવારે સાત સુધી કડક પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. જેને લઇને આવતા જતા અનેક વાહનચાલકોને રોકી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. વગર કારણે નીકળેલા લોકોને પોલીસ અટક કરી રહી છે. વાહનો ડિટેઇન કરી તેમને દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
જોકે આ કામગીરી વચ્ચે ગઈકાલે વલસાડ શહેરમાં સાંજે સાત વાગ્યા બાદ પોતાની કાર લઇને નીકળેલા વલસાડ જિલ્લાના ભાજપના મહામંત્રી પોલીસને હાથે ઝડપાઇ ગયા હતા. પોતાનું વાહન લઇને નીકળેલા વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી દૂરથી પોલીસ ચેકિંગ જોઈને પોતાની કાર વાળી પરત થતા હતા ત્યારે, જ પોલીસને શંકા જતા પોલીસે કાર અટકાવી હતી અને ચેકિંગ કરતા તેમની કારમાંથી એમ એલએનું એક સાઇનબોર્ડ પણ મળી આવ્યું હતું. જેનો ઉપયોગ તેઓ કારની આગળ મૂકી કરતા હોવાનું બહાર આવ્યું છે. જોકે પોલીસે તેમને ઝડપી લીધા બાદ આ સાઇન બોર્ડનો ઉપયોગ તેઓ ધારાસભ્ય ભરત પટેલ સાથે ફરતા હતા તે, માટે કરાતો હોવાનું પણ કબૂલ્યું હતું. પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ હોય એવું જણાઈ રહ્યું છે
જોકે હાલ તો પોલીસે સાત વાગ્યા બાદ નીકળેલા વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી દીપક પટેલને અટકાવી તેમની પાસે દંડ લેવામાં આવ્યો છે. આમ કાયદો બધા માટે સરખો છે. વલસાડ સીટી પોલીસે હાલ તો દીપકભાઈની કાર પોલીસ સ્ટેશનમાં મૂકી તેમની પાસે દંડ વસૂલ્યો છે અને કારમાંથી મળેલી ધારાસભ્યના નામની નેમપ્લેટ અંગે પણ પૂછપરછ હાથ ધરી છે.
મહત્વનું છે કે, પોલીસે જ્યારે તેમને અટકાવી તપાસ શરૂ કરી હતી અને વાહન સાઇડ ઉપર મૂકી દીધું હતું. ત્યારે કેટલાક મીડિયા કર્મીઓ પણ ત્યાં પહોંચતા આ સમગ્ર ઘટનાથી બચવા માટે મહામંત્રી દીપક પટેલ પોતાનું મોઢું છુપાવી રહ્યા હતા.