- કપરાડા વિધાનસભા બેઠક પર ભાજપનો વિજય
- 46 હજારની લીડથી જીતુ ચૌધરીનો ભવ્ય વિજય
- આ બેઠક પર કુલ ચાર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા
વલસાડઃ કપરાડા વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી મંગળવારે કપરાડા ખાતે આવેલી સરકારી વિનયન કોલેજમાં થઈ હતી. વહેલી સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. ૨૭ રાઉન્ડમાં મતગણતરી યોજાઇ હતી. જેમાં પ્રથમ 10 રાઉન્ડથી જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતુ ચૌધરીએ લીડ મેળવી હતી, જ્યારે 27 રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતુ ચૌધરીએ 46,797 જેટલી જંગી લીડ મેળવી હતી.
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતુ ચૌધરીને કુલ 1,12,591 મત મળ્યા
આ બેઠક પર કુલ ચાર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતુ ચૌધરી વચ્ચે કાંટાની ટક્કર હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતુ ચૌધરીને કુલ 1,12,591 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના બાબુ વરઠાને 65,794 મત, અપક્ષ ઉમેદવાર જયેન્દ્ર ગાવિતને 2772 મત, અપક્ષના અન્ય ઉમેદવાર પ્રકાશ પટેલને 5277 મત, જ્યારે આદિવાસી વિસ્તાર હોવા છતાં સૌથી વધુ મત નોટામાં 4489 મત પડ્યા હતા. જો કે, છેલ્લા રાઉન્ડની મત ગણતરી વખતે એક ઇવીએમ મશીનની બેટરી ઉતરી જતા ઇવીએમ મશીન માટેની ગણતરી માટેની કામગીરી ચાલી રહી છે.
સતત પાંચમીવાર ધારાસભ્ય પદ ઉપર વિજય થયા
નોંધનીય છે કે, સતત પાંચમીવાર ધારાસભ્ય પદ ઉપર વિજય થતા ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકરો તેમજ જીતુ ચૌધરીના સમર્થકો તેમને શુભેચ્છા આપવા માટે મતગણતરી સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને તેમને શુભેચ્છાઓ આપી હતી. જીતુ ચૌધરીએ જણાવ્યું કે, લોકોએ તેમનાં પર મૂકેલા વિશ્વાસને જાળવી રાખી આગામી દિવસમાં કપરાડા વિસ્તારના આદિવાસી સમાજના તમામ પ્રશ્નોને હલ કરવા તેમજ હાલમાં ખોરંભે પડેલા અનેક વિકાસના કાર્યોને તેજ ગતિથી પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહીશ.