વલસાડઃ જિલ્લામાં ધરમપુર તાલુકાના ઊંડાણના ગામ ધામણી ખાતે આગની ઘટના બની હતી. તેના કારણે 4 દુકાનોમાં સામાન બળીને ખાક થતાં દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી 3 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ પણ વાંચો Surat Fire : એક સાથે બે જગ્યા પર ભીષણ આગ, 10 કાર બળીને થઈ ખાખ
દુકાનદારોને લાખોનું નુકસાનઃ ધરમપુરથી અંદાજિત 20 કિલોમીટર દૂર આવેલા ધામણી ગામમાં મૂળ ગામ ફળિયામાં માર્ગની બાજુમાં પતરાના સેડમાં 4 જેટલી દુકાનો હતી. અહીં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઊઠી હતી. ત્યારબાદ આગની ઝપેટમાં દુકાનની વસ્તુઓ પણ આવી જતાં દુકાનદારોને લાખોનું નુકસાન થયું છે. જોકે, આગ લાગતાં જ સ્થાનિકો દોડી આવ્યા હતા, પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. લોકોએ પાણીનો મારો ચલાવ્યો છતાં આગ કાબૂમાં ન આવી.
આગ કાબૂમાં લેતા ફાયરની ટીમને લાગ્યા 3 કલાકઃ આગ એટલી વિકરાળ બની હતી કે, જોતજોતામાં 4 દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી. તેના કારણે મોંઘાદાટ ઝેરોક્ષના મશીન બળીને ખાક થઈ ગયા હતા. જોકે, ધરમપુર નગરપાલિકા ફાયર વિભાગનું ફાયરનું વાહન ઘટનાસ્થળે પહોંચ્યું હતું ને 3 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.
અનાજ કિરણા, કપડાં ચપ્પલ, તેમજ ઝેરોક્ષની દુકાનમાં આગઃ ધામણી મૂળ ગામ ફળિયામાં આવેલી 4 જેટલી દુકાનો, જેમાં અનાજ કરિયાણાની દુકાન, કપડાં અને ચંપલની દુકાન તેમ જ ઝેરોક્ષની દુકાનનો સમાવેશ થાય છે. અહીં રાખેલો મોટા ભાગનો સમાન આગમાં બળી ગયો હતો.
શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાનઃ આ સમગ્ર ઘટનાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોવાનું હાલ તો લોકો માની રહ્યા છે, જેના પગલે વાયર બળી જતા પકડેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું
આ પણ વાંચો Godrej Garden City Fire Accident: પત્નિનું ગળુ કાપી પતિએ ઘર બાળી નાખ્યુ
ઊંડાણના ગામોમાં આગ લાગતા ધરમપુર શહેરથી સ્થળ પર પહોંચવું ફાયર માટે કઠિનઃ ધરમપુર અને તેની આસપાસના વિસ્તારમાં અનેક ઊંડાણના ગામો આવેલા છે, જ્યારે પણ આવા ગામોમાં આગ જેવી ઘટના બને છે. ત્યારે નગરપાલિકા ધરમપુર શહેરનું ફાયર ટેન્ડર આગની ઘટનાઓ પર પહોંચી આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કરે છે, પરંતુ ઊંડાણના ગામોમાં ફાયર ટેન્ડર પહોંચે તે પહેલા મોટાભાગની હોનારત સર્જાઇ ચૂકી હોય છે ત્યારે આવી ઘટનાઓમાં અનેક ઘાટ વાળા રોડ હોવાને લઈને પણ ઘટના સ્થળે સમયસર પહોંચવું એ ખૂબ કઠિન કામ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે શરૂ કરી કાર્યવાહીઃ ધરમપુર પોલીસ સ્ટેશનના PSI આર. કે. પ્રજાપતિએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પોલીસને જાણ થતા ધરમપુર પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગમાં થયેલા નુકસાની અંગે પંચ કેસ કરવાની ગતિવિધિ હાથ ધરી છે.