ગુજરાતની જે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 30 કરતાં ઓછી હોય એવી પ્રાથમિક શાળાઓને અન્ય શાળામાં મર્જ કરવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. આ નિર્ણયની અમલવારીથી ગુજરાતની 5350 જેટલી શાળાઓનું અન્ય શાળા સાથે જોડાણ કરાશે. વિદ્યાર્થીઓને તેમની નજીકમાં આવેલી અન્ય શાળામાં સમાવી લેવામાં આવશે.
આ નિર્ણયના કારણે સૌથી વધારે મુશ્કેલીઓ અંતરિયાળ વિસ્તારમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પડશે. કારણ કે, આ વિદ્યાર્થીઓને વાહનવ્યહારની ટાંચી સુવિધાઓ વચ્ચે બે થી પાંચ કિલોમીટર પગપાળા શાળાએ જવાની ફરજ પડશે.
જેથી આદિવાસી બેલ્ટમાં સરકારના આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. ગુરુવારે ભિલીસ્થાન ટાઈગર સેના દ્વારા ધરમપુર મામલતદારને આવેદનપત્ર આપી શાળાને મર્જ ન કરવા રજુઆત કરાઈ હતી. તેમણે મામલતદારના માધ્યમથી રાજ્યપાલને આવેદનપત્ર પાઠવતા જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષણ દરેકનો બંધારણીય અધિકાર છે. પ્રાથમિક શાળાઓ બંધ કરવી એ ભારતીય સંવિધાનના આર્ટિકલ 21નો ભંગ કરનાર કૃત્ય છે.
શાળા જે-તે ગામનું ઘરેણું છે. સરકાર નવી સરકારી શાળાઓ ચાલુ કરી શકતી નથી એવામાં જે શાળાઓ ચાલી રહી છે તેને પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. 14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ, બેટી બચાવો બેટી પઢાવો, સૌ ભણે સૌ આગળ વધે, ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત ,શાળા પ્રવેશોત્સવ ગુણોત્સવની ગુલબાંગો પોકારતી સરકારના નિર્ણયથી ડ્રોપ આઉટ રેશિયો વધી જશે. નાની વયના બાળકો ત્રણ-ચાર કિલોમીટર દૂર શાળાએ જઈ શકશે નહીં. સરકાર એક મતદાર માટે પોલિંગ બૂથ ઊભું કરી શકતી હોય તો 30થી ઓછા બાળકોની સંખ્યા ધરાવતી શાળા કેમ બંધ કરે છે?
ભીલીસ્થાન ટાઈગર સેના સભ્યોએ જણાવ્યું હતું કે, જો સરકાર આ અંગે યોગ્ય નિર્ણય લેશે નહીં તો આગામી 10 દિવસમાં ભિલીસ્થાન ટાઈગર સેના સમગ્ર ગુજરાતમાં આ બાબતનો વિરોધ કરી આંદોલન કરશે.