વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ પોલીસને ગુરુવારે બાતમી મળી હતી કે નવસારી તરફથી મુંબઇ જતી મુંબઇ પાસિંગની ત્રણ કારમાં ગેરકાયદેસર સોનુ લઇ જવામાં આવી રહ્યું છે. પોલીસે આ બાતમી આધારે ભિલાડ પોલીસની હદ વિસ્તારમાં ત્રણેય બાતમી વાળી કારના કાર ચાલકને અટકાવી કારમાં તપાસ કરતા કારમાંથી 12 કિલો 750 ગ્રામ જેટલી પીળી મેટલની ધાતુની ટિકડીઓ મળી આવી હતી. આ ઉપરાંત કારમાંથી એક વજન કાંટો પણ મળી આવ્યો હતો. 3 હજારના પીળી ધાતુના ટિકડા, વજન કાંટો સહિત લગભગ 18,86,600 રૂપિયાના મુદ્દામાલ સાથે ત્રણેય કારમાં સવાર કુલ 9 લોકોને ધરપકડ કરી, 102 મુજબ અટકાયત કરી, 41(1)D હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર મામલે ભિલાડ પોલીસને મળેલી વિગત મુજબ પકડાયેલ 9 ઈસમો મુંબઈના અલગ અલગ કંપનીમાં, સ્ટોરમાં નોકરી કરતા ઈસમો છે. જેઓને અન્ય એક ગેંગે સસ્તામાં સોનુ આપવાની લાલચ આપી હતી. આ માટે નિયત કરેલ રકમ સાથે નવસારીમાં આવી જઈ સોનુ લઈ જવાની ડીલ કરી હતી. જે આધારે પકડાયેલ ઈસમો નવસારી જઈ સોનાની ડીલ કરી પરત ફરી રહ્યાં હતાં ત્યારે અગાઉથી મળેલી બાતમી આધારે પોલીસનાં હાથે ઝડપાઇ ગયા હતા.
પોલીસે જ્યારે તેમને ઝડપ્યા અને તપાસમાં સોનાને બદલે પિત્તળના ટિકડા મળ્યા હતાં. જ્યારે આ અંગે કેટલા રૂપિયા ચૂકવ્યા તે અંગે આ 9 ઇસમોને પૂછતાં તેમણે બાળકોને રમવાની નકલી નોટ આપી તેમને છેતર્યા હતાં. પોતે પણ છેતરાયા હોવાનું પોલીસે જણાવતા તમામ ધૂતારાઓ છોભિલા પડી ગયા હતાં. જો કે, ભિલાડ પોલીસે તમામની કાયદેસરની અટકાયત કરી ધૂતારાઓને ઘૂતનારી નવસારીની ગેંગને દબોચી લેવા નવસારી પોલોસને જાણ કરતા હાલ નવસારી પોલીસે પણ આ મામલે સઘન તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, નવસારીમાં છેલ્લા કેટલાક સમયથી એક ચોક્કસ ગેંગ મુંબઇ અમદાવાદ હાઇવે પર પ્રવાસીઓને પોતાની પાસે એન્ટિક સિક્કાઓનો ખાજાનો હોવાનું જણાવી સસ્તા દરે આપી દેવાની લાલચ આપી તેમને ફસાવી રહી હોવાનું પણ અવારનવાર સામે આવ્યું છે. ત્યારે આ એ જ ધૂતારાઓ તો નથી ને કે જે પ્રવાસીઓને છેતરતા આખરે પોતે જ છેતરાઈ ગયા છે.