વાપીમાં અવધ લોજીસ્ટિક નામની પેઢી દ્વારા બહુરાષ્ટ્રીય કંપની એમેઝોનના પાર્સલ સેવાની ફ્રેન્ચાઇઝી ધરાવનાર કૃષ્ણકાંત દુબે અને તેમના પુત્ર રિતેશ દુબેએ સંદીપ સંજીવ સરતાપે નામના ઇસમને ડંડા વડે બેફામ માર માર્યો હતો. ઘાયલ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો કર્મચારીઓ પર દાદાગીરી કરનાર બાપ-બેટાની કંપનીમાં 37 કર્મચારીઓ કામ કરે છે. જેમને છેલ્લા 4 મહિનાથી પગાર ચૂકવાયો ન હતો. જેથી યુવક સંદીપે 5 મહિનાનો પગાર અને 5 મહિનાનું વેનનું ભાડું લેવાની માગ કરી હતી. ત્યારે માલિકે અને તેના દીકરાએ સંદીપને ઓફિસે બોલાવી લાકડાના ડંડા વડે બેફામ માર માર્યો હતો. આ સમગ્ર ઘટના CCTV માં પણ કેદ થઈ હતી.
દીકરાની ગંભીર હાલત જોઈ સંદીપની માતા સંગીતા સરતાપે આરોપી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમજ ઓફિસની ચાવી લઈ દીકરાના પગારનો હિસાબ ચૂકતે કરે પછી જ ચાવી આપવાની જીદ પકડી હતી.
આ અંગે વાત કરતાં સાંદિપની માતા સંગીતાએ જણાવ્યું હતું કે, "સમગ્ર મામલે બાપ-દીકરો તેમને પોલીસની ધમકી આપી રહ્યાં છે. ત્યારે તેમને ન્યાય મળે અને મારામારી કરનાર બાપ દીકરાની ધરપકડ થાય તેવી માગ કરી છે."
આ સમગ્ર મામલો વાપીમાં કાર્યરત ગુજરાત રાજ કામદાર સેવા સંઘ પાસે પહોંચતા તેમના પ્રમુખ રામસૂરત પ્રજાપતિએ પણ આ ઘટનાને શરમજનક ઘટના ગણાવી હતી.
ઉલ્લેખનીય છે કે, નિયમ મુજબ દરેક માલિકે તેમના કામદારોનો 1 થી 7 કે 11 તારીખ સુધીમાં પગાર આપવાનો હોય છે. ત્યારે આ મામલે કામદાર પર દાદાગીરી કરનાર પિતા પુત્ર વિરુદ્ધ પોલીસમાં રજૂઆત કરી ન્યાય માટે બનતી મદદ કરવાની કર્માચારીઓ દ્વાર માગ કરાઈ છે.