ઉમરગામઃ વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મણિલાલ પટેલના પુત્ર અને સોળસુંબા સરપંચ એવા અમિત પટેલ અને તેના મિત્ર ઉમરગામ પાલિકાના માજી સભ્ય હેમંત નાયક સાથે મારામારી કરી હતી. તેમજ ઘર સળગાવી દેવાની ધમકીઓ આપનાર યુવાનોએ પણ અમિત પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. હવે સામસામે થયેલી આ ફરિયાદને લઈને રાજકારણ ગરમાયુ છે. ત્યારે ગામમાં અનેક સારા કાર્યો કરી લોકચાહના મેળવવીએ પણ રાજકીય કિન્નખોરીનો ભોગ બની શકે છે તે આ ઘટના પરથી ફલિત થયું છે.
જો કે હાલ સમગ્ર મામલે પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી છે. પરંતુ નક્કર કાર્યવાહી હાથ ધરી નથી. કદાચ પોલીસ પણ બે બળિયા સામે અવઢવમાં છે. રવિવારે બનેલી આ ઘટના બાદ જિલ્લામાં ચકચાર મચી છે. ઘટનાના મૂળમાં સોળસુંબાના સરપંચ અમિત પટેલે આરોપી કૌશિક સિંગા, ભાવિન અરવિંદ કામળી, વિકાસ પાટીલ ,નીક રાજુ કામળી, ચિરાગ પ્રજાપતિ ,અરવિંદ કામળી અને તાલુકા પંચાયત સભ્ય જવાહર પુરોહિત વિરુદ્ધ ગાળગાળી અને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
તો સરપંચ અમિત પટેલ વિરૂદ્ધ ઉમરગામના સોળસુંબા ગામે ગંગાદેવી રોડ ખાતે રહેતા કૌશિક સિંગાએ પણ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં સોળસુંબાના સરપંચ અમિત મણિલાલભાઈ પટેલ અને પાલિકાના માજી સભ્ય હેમંત નાયક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રવિવારે સવારે તે તેના સોળસુંબા કામરવાડ ખાતે રહેતા મિત્ર ભાવિન અરવિંદ કામળીના ઘરે હાજર હતો ત્યારે સોળસુંબાના સરપંચ અમિત પટેલ તેના મિત્ર હેમંત નાયક સાથે આવી તમે સુધરી જાઓ નહીં તો, જોઈ લઈશ એવી ધમકી આપી હતી. હેમંત નાયકે ગાળગલોચ કરી ઠીકમુકકી માર માર્યો હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કર્યો છે.
અમિત પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે, કૌશિક શીંગા થોડા દિવસથી પંચાયત તથા મારા પિતા (જિલ્લા પંચાયત પ્રમુખ) વિરૂદ્ધ સોશિયલ મીડિયામાં ગમે તેમ કોમેન્ટસ લખી બદનામ કરી રહ્યો છે. જે બાબતે ફોન ઉપર સંપર્ક કરી વાતચીત કરતા કૌશિક સિંગાએ કહ્યું કે, તમે કામ કરતા નથી ત્યારે મેં કહ્યું કે કયું કામ બાકી છે જણાવશો ત્યારે તેને કહ્યું કે તમે અહીં આવો એમ કહી બોલાવતા તેઓ ગયા હતા. રવિવારે સવારે સોળસુંબા ગંગાદેવી રોડ પાસે અરવિંદ કામળીના ઘર સામે રોકી ઝઘડો કરી માર માર્યો હતો.
વધુમાં ઉમરગામ તાલુકા પંચાયતના સભ્ય જવાહર પુરોહિત રાજકીય ઈર્ષાના કારણે બદનામ કરી પ્રજાને ઉશ્કેરણી કરી રહ્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યુ છે. બન્ને પક્ષની ફરિયાદ બાદ ઉમરગામ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાને ઉમરગામ સરપંચ સંઘે પણ વખોડી છે. હાલના સમયે સરપંચો ઉપર હુમલાની ઘટના વધી છે. ત્યારે ઉમરગામ સરપંચ સંઘે આ બનાવ સંદર્ભે ઉચ્ચસ્તરે રજૂઆત કરી આરોપી વિરૂદ્ધ કડક કાર્યવાહીની માગ કરવા તજવીજ હાથ ધરી છે.
જ્યારે ઉમરગામ પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી છે. પરંતુ હજુ સુધી નક્કર કાર્યવાહી હાથ ધરી નથી. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં રાજકીય અદાવત પણ સામેલ છે. અને છેલ્લા કેટલાક સમયથી બે બળિયા એકબીજા પર રાજકીય દાવ અજમાવતા હતા. જે હવે મારામારી સુધી આવ્યો છે. ત્યારે હજુ આગામી દિવસોમાં ઉમરગામનું જ નહીં પરંતુ વલસાડ જિલ્લાનું રાજકારણ ગરમાય તેવો માહોલ ઉપસ્થિત થઈ રહ્યો છે. જેમાં સોળસુંબા ગામમાં વિકાસના કાર્યો કરી લોકચાહના મેળવી અનેક સાથે દુશ્મની વહોરી લેનાર અમિત પટેલનો ભોગ યુવા નેતામાં જ લેવાઈ જાય તો નવાઈ નહિ.