વલસાડ: દેશ અને વિશ્વ કોરોના મહામારીના સંક્રમણમાં ફસાયેલા છે. દુનિયામાં કોરોનાની વેકસીન માટે હ્યુમન ટ્રાયલથી માંડીને અનેક કારગત દવાઓ સહિતની સામગ્રી બનાવવામાં તબીબો, વૈજ્ઞાનિકો વ્યસ્ત બન્યા છે. આવા સમયે લોકલ ફોર વોકલના આહ્વાન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને આત્મનિર્ભર અભિયાન થકી કોરોનાને માત આપતી ઇનોવેટિવ ચીજો બનાવવા પ્રેરણા પુરી પાડી છે.
આ પ્રેરણાથી પ્રેરાઈને વાપીના કપિલ રાઠોડ અને હિતાય પટેલ નામના 2 મિત્રોએ ખાસ ઓટો સેનિટાઇઝર તૈયાર કર્યું છે. જેની ખાસિયત એ છે કે, તે પબ્લિક ટ્રાન્સપોર્ટ વાહનો જેવા કે રીક્ષા, બસ, કારમાં સીટનું સેનિટાઇઝ કરી શકે છે. આ સેનિટાઇઝ કીટ વાહનમાં ફિટ કરી દીધાં બાદ માત્ર એક બટનથી વાહનને સેનેટાઇઝ કરી શકાય છે. કોરોના મહામારીમાં લોકો મોટાભાગે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધુ કરતા હોય છે. ત્યારે તેઓ સલામત રહે સુરક્ષિત રહે તેવા ઉદ્દેશ્યથી આ સેનિટાઇઝર મશીન બનાવ્યું છે.
કપિલ અને તેના મિત્ર એ વધુમાં જણાવ્યુ હતુ કે, તેઓ વાપીમાં ઇન્ડસ્ટ્રીયલ ફેબ્રિકેશનનું કામ કરે છે. હાલની કોરોના મહામારીમાં દેશને ઉપયોગી થતી ચીજ બનાવવા માંગતા હતાં. જે માટે 15 દિવસની અથાગ મહેનત કરી આ સેનિટાઇઝર તૈયાર કર્યું છે. સાથે જ લોકોમાં કોરોના પ્રત્યે જાગૃતી આવે તે માટે વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત અભિયાનથી અન્ય લોકો પણ આ પ્રકારે દેશને મદદરૂપ થાય તેવી ઈચ્છા સેવી રહ્યા છે.
કપિલ અને હિતાયનું આ ઓટો સેનેટાઇઝરને ફિટિંગ કરવા માટે વાપીના રીક્ષા ચાલકોએ પણ અદમ્ય ઉત્સાહ બતાવ્યો છે. રીક્ષા ચાલકોના મતે કોરોના મહામારીના ડરને કારણે રિક્ષામાં પ્રવાસીઓ બેસતા નથી. પણ જ્યારે તેમને સમજાવીએ છીએ કે, આ ઓટો ઓટો સેનિટાઇઝરથી સજ્જ છે. તો તેવો રિક્ષામાં સવારી કરે છે. જેનાથી અમારી રોજોરોટી ચાલે છે. આ સાથે અમે સુરક્ષિત રહીએ છીએને પ્રવાસીઓને પણ સુરક્ષિત રાખીએ છીએ.
વાપીના આ યુવાનોએ કોરોના મહામારીના સમયે તૈયાર કરેલું આ ઓટો સેનિટાઇઝર રિક્ષાથી માંડીને બસ કે કારમાં પણ ઉપયોગી નીવડી શકે છે. ત્યારે સરકાર આ યુવાનોને પ્રોત્સાહન આપી સરકારના અને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ વાહનોમાં જો તેનો ઉપયોગ કરે તો કોરોના મહામારીમાં જે પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ કરવી પડી છે તે, ફરી શરૂ રાખી શકાય છે. કોરોના સામે નાગરિકોને પ્રવાસ દરમિયાન સુરક્ષિત ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડી શકાય છે.