- વલસાડનો રેલવે ઓવરબ્રિજ 21 જૂન સુધી બંધ રહેશે
- જિલ્લામાં આવતાજતા લોકોએ 14 કિમી વધુ ફરવું પડશે
- PWD વિભાગે વિશેષ પરિપત્રથી ડાયવર્ઝન રૂટ જાહેર કર્યા
- રેલવે ઓવરબ્રિજ નીચે ફ્રાયટ કોરિડોરની શરૂ થતી કામગીરીને અનુલક્ષીને બ્રિજ કરાયો બંધ
- ઓવરબ્રિજના ત્રણેય છેડા પર વાહનચાલકો બ્રિજ ઉપર ચઢી ન જાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
વલસાડઃ રેલવેની ફ્રેઈટ કોરિડોરની ચાલી રહેલી કામગીરીને પગલે હાલે રેલવેમાં જોરથી કામ ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે વલસાડમાં આવેલા રેલવે ઓવરબ્રિજમાં પણ કેટલાક બ્લોક બેસાડવાના હોવાથી વલસાડ રેલવે ઓવરબ્રિજ આવાગમન માટે 20 દિવસ સુધી બંધ કરવામાં આવ્યો છે. એટલે કે વલસાડ શહેરમાં વસવાટ કરતા લોકોએ બહાર જવા માટે 12થી 14કિમીનો ચકરાવો કાપવો પડશે. સાથે સાથે વલસાડમાં આવતા ધરમપુરથી કે વાપીથી લોકોએ 14 કિલોમીટર જેટલો ચકરાવો કાપી વલસાડ શહેરમાં પ્રવેશ કરવો પડશે.
વાપીથી આવતા વાહનચાલકો માટે પારનેરા પારડી હનુમાન મંદિર થઈ મગોદ અતુલ થઈ વલસાડ સિવિલમાં પ્રવેશ કરવો પડશે
અતુલ પાનેરા થઈને આવતા વાપી તરફના વાહનચાલકોએ વલસાડ શહેરમાં પ્રવેશ કરવા હવે પારનેરા પારડી ખાતે આવેલા હનુમાન મંદિર પાસેથી મગોદ રેલવે ફાટક થઈને વલસાડ સિવિલ હોસ્પિટલ રોડ થઈ વલસાડ શહેરમાં પ્રવેશ કરવો પડશે. આમ, 12 કિમીન ફરીને આવવું પડશે.
આ પણ વાંચો-અંબાજી-દાંતામાં ત્રિશુળીયા ઘાટનો માર્ગ પહોળો કરવા કામગીરી શરૂ, STને મોટું નુકસાન
ધરમપુરથી આવતા વાહનચાલકોએ મોગરાવાડી થઈને બ્રિજ નીચેથી જિલ્લામાં પ્રવેશ કરવો પડશે
ધરમપુર તરફથી વલસાડમાં આવતા વાહનચાલકોએ ગુંદલાવ ચોકડી થઈ મોગરાવાડી થઈને અંડરબ્રિજમાંથી વલસાડ શહેરના દાણા બજાર બાજુ પ્રવેશ કરવો પડશે. જ્યારે આમાંથી ભારે વાહનો આવી શકશે નહીં જેવા કે બસ, ટ્રક, ડમ્પર વગેરેને આવવા વલસાડ કુંડી ફાટક થઈને વલસાડ શહેરમાં પ્રવેશ કરવાનો રહેશે.
જિલ્લામાં બહાર નીકળવા કે તેમાં પ્રવેશ કરવા મુખ્યત્વે લોકો વલસાડ રેલવે ઓવરબ્રિજનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે 20 દિવસ માટે આ બ્રિજ બંધ કરવાનો હોવાથી ત્રણેય છેડા પર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે, જેથી કરીને ભૂલથી પણ કોઈ વાહનચાલક બ્રિજ પર પ્રવેશી શકે નહીં. આ ઉપરાંત ડાયવર્ઝનનો બોર્ડ પણ લગાવાયા છે.
જિલ્લામાં રોજ 30 હજારથી વધુ વાહનની અવરજવર થાય છે
જિલ્લાની અનેક સરકારી કચેરીઓ અને અનેક મોટી કચેરીઓ વલસાડ શહેરમાં આવેલી હોવાથી અહીં રોજ 30,000થી વધુ વાહનોની અવરજવર થાય છે. આ તમામ વાહનોને હવે ડાયવર્ઝન રૂટ ઉપરથી વલસાડમાં આવવું પડશે.
માર્ગ અને મકાન વિભાગે મંગળવારે રાત્રે જાહેરનામું બહાર પાડ્યું હતું
વલસાડ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંગળવારે મોડી સાંજે 20 દિવસ માટે રેલવે ઓવરબ્રિજ બંધ કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેને અનુલક્ષી વહેલી સવારથી જ રેલવે ઓવરબ્રિજ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો, જે 21 જૂન સુધી બંધ રહેશે.