વલસાડ: પારડી ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા રોજગાર અધિકારી એસ.કે.પટેલ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ડેપ્યુટી કમિશ્નર તેમજ જનરલ મેનેજર જી.એલ.પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-01-aprenticebhartimelo-avbb-7202749_07032020160805_0703f_01445_1099.jpg)
આ કાર્યક્રમમાં પારડી તાલુકા તેમજ વલસાડ જિલ્લાની આસપાસમાં નોકરી વાંચ્છુ ઉમેદવારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. એપ્રેન્ટીસ ભરતી મેળા અંગે પારડી ITIના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક કંપનીઓએ જરૂરિયાત મંદ ઉમેદવારોને નોકરીની તક પૂરી પાડી હતી. આ મેળામાં વલસાડ જિલ્લાના ઉમરગામ, પારડી, વાપી, સરીગામ સહિતની અનેક ઉદ્યોગિક સંસ્થાઓમાંથી 80થી વધુ કંપનીના કર્મચારીઓ રોજગારીની તક લઈને ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે નોકરી મેળવવા માટે 500થી વધુ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ દરમિયાન વાપી GIDC વિસ્તારમાં આવેલી અનેક પેકેજીંગ કંપની, એન્જિનિયરિંગ કંપનીઓ તેમજ વલસાડ નજીક આવેલા અતુલ રંગ રસાયણ ધરાવતી કંપનીમાંથી પણ રોજગારીની તકો પૂરી પાડવા માટે કેટલાક કર્મચારીઓ હાજર રહ્યા હતા.