વલસાડ : આદિવાસી સમાજની એક જાતિ સામે સોશિયલ મીડિયામાં કેટલાક તત્વો દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હોવાથી અને જાતિ વિષયક ગાળો ભાંડવામાં આવી હતી. આ અંગે ગુરુવારે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આવા અસામાજિક તત્ત્વો સામે એટ્રોસિટી એક્ટ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ(ITA 2000) મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવા રાજ્યપાલ સુધી આવેદન પહોંચાડવા જણાવ્યું છે.
ફેસબુક પર એક પોસ્ટ વીડિયો મારફત સિંગણપોર દભોલી ચાર રસ્તા સુરત શહેરના એક TRB જવાને એક ટેમ્પોવાળાને પકડીને કોઈપણ કારણોસર માર માર્યાનો વીડિયો ફેસબુક પર વાઇરલ થયો હતો. જે બાદ એક જાગૃત નાગરિક દ્વારા આ વીડિયોને શેર કરવામાં આવ્યો હતો. સમસ્ત આદિવાસી સમાજની જાતિઓ પૈકીની એક ચોક્કસ જાતિ વિષે તારીખ 20-9-2020ના રોજ ફેસબુકના માધ્યમથી સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયો પર ભાવનગરના નામ હરપાલસિંહ રાજપૂત અને જતીન શાહ નામના ઈસમો દ્વારા અભદ્ર ટિપ્પણી કરીને તે આંતકવાદી છે, જેવા શબ્દો ઉચ્ચારી અને સમસ્ત આદિવાસી સમાજને દેશદ્રોહી કહી વર્ગ વિગ્રહ કરીને કોમી એખલાસનો ભંગ થાય તેવી ગુનાહિત ટિપ્પણી કરી હતી.
આ ઈસમો સામે કાયદેસર રીતે દુબળા જાતિ પર અભદ્ર ટિપ્પણી કરનારા લોકો પર એટ્રોસિટી એક્ટ સાયબર ક્રાઈમ અંતર્ગત તમામ લાગતા વળગતા પગલાં લેવા માટે ગુરુવારના રોજ સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ સુધી પહોંચે તેવી અપીલ કરી આવેદનપત્ર આપ્યું છે.
મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં લોકો કોઈ પણ સમાજ માટે અભદ્ર ટિપ્પણીઓ કરીને વાતવરણ ડહોળવાનો પ્રયાસ કરતા લોકો સક્રિય છે. આવા લોકો સામે પોલીસ કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે.