વલસાડ: જિલ્લાના પારડી તાલુકા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ મેહુલ વસીના અધ્યક્ષસ્થાને આવેદનપત્ર મામલતદારને આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં ચાર જેટલા મુદ્દાઓની માગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયેલ મુદ્દામાં સરકાર પાસે માગ કરાઇ છે કે, કોરોના લોકડાઉનમાં લોકોની મુશ્કેલી વધી છે.
માર્ચથી જૂન માસ સુધીના લાઈટ બિલને માફ કરવામાં આવે, મધ્યમ વર્ગીય પરિવારના પાણી વેરા મિલકતવેરા માફ કરવામાં આવે, નાના વેપારીઓના ધંધા રોજગાર વેરા માફ કરવામાં આવે, તેમજ સાથે-સાથે ખાનગી શાળાઓની પ્રથમ સત્રની ફીમાં પણ માફી આપવામાં આવે અને જો માફી ન આપવામાં આવે તો ફીની રકમ સહાય તરીકે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે.
લોકડાઉનમા સૌથી વધારે મુશ્કેલીમાં મુકાયો હોય તો તે ખેડૂત છે અને બેન્કોમાં વિવિધ ધિરાણ લઈને ખેતરોમાં કામ કરતા ખેડૂતોની હાલત કફોડી છે, ત્યારે આવા ખેડૂતોને ધિરાણ પરત કરવાની મુદતમાં વધારો કરવામાં આવે આ તમામ મુદ્દાઓ સાથે પારડી તાલુકા કોંગ્રેસ સમિતિએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
મહત્વનું છે કે, લોકડાઉનના સમયમાં એક તરફ ધંધા-રોજગારને અસર પડી છે, ત્યારે સૌથી વધુ મુશ્કેલી મધ્યમ વર્ગીય પરિવારોને પડી રહી છે. આવા સમયમાં સરકારે આવા સામાન્યમાં સામાન્ય મુદ્દાઓને ધ્યાને લઇને તેમાં જો રાહત આપવામાં આવે તો મધ્યમ વર્ગીય પરિવારને ખૂબ રાહત મળે એમ છે.