- વલસાડ જિલ્લામાં એપ્રિલના પ્રથમ રવિવારે વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો
- કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાયેલા નિર્ણય મુજબ તમામ બજારો બંધ રહ્યા
- કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો હતો નિર્ણય
વલસાડ: જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં દિન-પ્રતિદિન વધતા જતા રહેલા કોરોનાના દર્દીઓની સંખ્યાને જોતા વલસાડ જિલ્લા કલેક્ટરે વધી રહેલું સંક્રમણ અટકાવવા માટે રવિવારના રોજ દરેક બજારો બંધ રાખવા માટેનું એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. જોકે તે પૂર્વે તેમણે વેપારી મંડળ સાથે એક બેઠક યોજી આ નિર્ણય લેવાનું નક્કી કર્યું હતું અને તેમાં તમામ વેપારી મંડળે પણ સહયોગ આપ્યો હતો. 11 એપ્રિલે રવિવારના રોજ વહેલી સવારથી વલસાડ જિલ્લાના 6 તાલુકામાં તમામ બજારો બંધ રહ્યા હતા અને વેપારીઓએ આ બંધમાં સહયોગ આપી મહત્વનું યોગદાન આપ્યું હતું.
આ પણ વાંચો: બોટાદમાં બંધને લઈને શહેરના વેપાર-ધંધા રહ્યા બંધ
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો આંકડો 1,722 પર પહોંચ્યો છે
વલસાડ જિલ્લામાં હાલ દિન-પ્રતિદિન કોરોના સંક્રમણની સંખ્યા વધતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં દર્દીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે રવિવારના રોજ એક સાથે 30 જેટલા દર્દીઓ વલસાડ જિલ્લામાં કોરોના પોઝિટિવ નોંધાયા છે. અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં 7,722 જેટલા કેસો કોરોના પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે. હાલમાં 200 જેટલા એક્ટિવ કેસો વલસાડ જિલ્લામાં સારવાર હેઠળ છે. જ્યારે 1,362 જેટલા લોકોને સાજા થઇ જતા રજા આપી દેવામાં આવી છે.
વલસાડ શહેરના મોટાભાગના બજારો આજે બંધ રહ્યા હતા
વલસાડ જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર 11 એપ્રિલના પ્રથમ રવિવારે વલસાડ શહેરના મુખ્ય બજારો એમ.જી.રોડ, તિથલ રોડ, ખત્રીવાડ સહિત મોટાભાગના શાકભાજી બજાર સહિતના તમામ બજારોની દુકાનો 11 એપ્રિલે સજ્જડ બંધ જોવા મળી હતી અને તમામ બજારો સૂમસામ જોવા મળ્યા હતા. લોકો તો એમ જ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા એટલે કે તમામ બજારોના રોડ સુમસામ જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: વાપી પોલીસે વેપારીઓ પાસે નાઈટ કરફ્યૂનું પાલન કરાવ્યું
6 તાલુકાઓમાં દરેક બજારો બંધ
વલસાડ જિલ્લા કલેક્ટર આર. રાવલે મોડી સાંજે તમામ વેપારી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, કોરોના જેવી મહામારીમાં સંક્રમણની ચેઈનને તોડવા માટે વેપારીઓએ આપેલો અભૂતપૂર્વ સહયોગ ખૂબ યોગ્ય છે અને તે માટે તેમણે વેપારી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ, 11 એપ્રિલે વલસાડ જિલ્લામાં રવિવારના રોજ 6 તાલુકાઓમાં દરેક બજારો બંધ જોવા મળ્યા હતા.