વલસાડ: પારડી તાલુકાના ગોય ગામે મંગળવારે સવારે પૂરપાટ ઝડપે આવેલી જીપે સામરપાડા ગામના બાઈક ચાલક ભગુભાઈ જમસીભાઈ પટેલ અને તેમના ગામના સબંધી મહિલા નયનાબેન પટેલને ગોયમા નજીક જલારામ મંદિર પાસે ટક્કર મારતા ભગુભાઈને થયેલ ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યું હતું.
જ્યારે નયનાબેનને સારવાર માટે પારડીની કુરેશી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. મહત્વની વાત એ છે કે, અકસ્માત કર્યા બાદ કાર ચાલક સ્થળ ઉપર કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. જ્યારે કાર ઉપર પાછળના ભાગમાં લાગેલું વિધાનસભાના ધારાસભ્યનું સ્ટીકર એ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કરી રહ્યું હતુ કે, આ કાર કોઈ મોટા વ્યક્તિની છે.
જો કે, પોલીસ મથકમાં જ્યારે કાર લાવવામાં આવી ત્યારે તેના ઉપર મારવામાં આવેલું આ સ્ટીકર ગાયબ થઈ ગયું હતું. હવે એ સ્ટીકર કોને કાઢી નાખ્યું એ પણ તપાસનો વિષય છે.