- રાત્રી દરમિયાન ઘરે પરત ફરતી વેળાએ કરુણાંતિકા બની
- વહેલી સવાર સુધી યુવક ઘરે ન આવતા પરિજનોએ શોધખોળ હાથ ધરી
- નહેરમાંથી યુવકની લાશ મળી આવી ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી
વલસાડ: પારડી નજીકમાં આવેલા પંચલાઈ ગામે મોડી સાંજે પોતના ઘરે પરત જઈ રહેલો 35 વર્ષીય યુવક નહેર ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે પગ લપસી જતા પાણીથી ભરેલી નહેરમાં ખાબક્યો હતો. જેથી તેનું મોત થયું હતું. આજે મંગળવારે સવારે તેની લાશ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. પંચલાઈ નહેરમાં ક્રોસ કરવા જતાં પગ લપસી ગયો હતો અને યુવક ડૂબ્યો હતો.
35 વર્ષીય યુવક રાત્રી દરમિયાન ઘરે પરત ફરતો હતો ત્યારે નહેરમાં ડૂબ્યો
પારડી તાલુકાના પંચલાઇ ગામે માધવા પડ્યામાં રહેતા દિલીપભાઈ લલ્લુભાઈ પટેલ ગત મોડી રાત્રે પોતાના કામ માટે ગયા હતા. તેઓ મજૂરી કામ કરીને રાત્રે ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે માર્ગમાં પસાર થતી પાણી ભરેલી નહેરમાં પગ લપસી જતાં તેઓ પાણીમાં ડૂબી રહ્યા હતા. જેને પગલે તેમનું મોત થયું હતું.
દિલીપભાઈ મોડી રાત્રે પણ ઘરે નથી આવતા પરિજનોને વહેલી સવારે શોધખોળ હાથ ધરી હતી
દિલીપભાઈ, લલ્લુભાઈ પટેલ રોજમદાર તરીકે કામ કરીને પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે મોડી રાત્રી સુધી તેઓ ઘરે પરત ન થતા પરિજનો ચિંતામાં હતા. તેમણે દિલીપભાઈની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ વહેલી સવારે નહેરના પાણીમાંથી દિલીપભાઈની લાશ મળી આવી હતી. મૃતકના પરિવારમાં શોકનું માહોલ જોવા મળ્યો હતો. ઘટના અંગેની જાણ પારડી પોલીસને કરવામાં આવી હતી.
પોલીસે સ્થળ ઉપર પહોંચી મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો
દિલીપભાઈ વહેલી સવારે નહેરના પાણીમાં દેખાયા હતા. સ્થાનિક લોકોએ સમગ્ર ઘટના બાબતે પારડી પોલીસને જાણ કરી હતી. પારડી પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો અને મૃતદેહને PM માટે પારડીની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. રોજમદારી કરીને પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવનારા યુવકનો ઘરે પરત ફરતી વેળાએ પગ લપસી જતાં પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.