વલસાડ શહેરની ખ્યાતનામ એવી આવાબાઈ સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને વલસાડ સિટી પોલીસ મથકે લાવવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા તેમની કામગીરી તેમજ મહિલાઓની છેડતી અને આત્મરક્ષણ બાબતે પોલીસ તેમને કઈ રીતે મદદરૂપ થઇ શકે તે અંગેની માહિતીથી તેઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ પોલીસ આવા કિસ્સામાં કેવી રીતે કામગીરી કરે છે, તે અંગેની પણ સંપૂર્ણ માહિતી સીટી પોલીસ મથકના પીઆઈ દેસાઈએ આપી હતી.
તે ઉપરાંત સાથે-સાથે તેઓની આસપાસમાં જો કોઇ અજાણ્યા શખ્સો દેખાય તો આવા કિસ્સામાં પણ પોલીસને જાણકારી આપવા માટે પોલીસે તેમને ભલામણ કરી છે. આ માહિતી વિશે વિદ્યાર્થીઓએ જણાવ્યું કે પોલીસ મથકની મુલાકાત બાદ તેમને સ્કૂલે આવતી જતી વખતે જો કોઈ રોમિયો છેડતી કરશે કે, તેમને પકડવાનો પ્રયાસ કરશે તો આવા કિસ્સામાં પોલીસ અથવા તો શિક્ષકને જાણકારી આપવી તેમજ પોલીસના નંબર ઉપર ફોન કરી શકાય એમ છે. આવી માહિતી તેમની આત્મરક્ષા માટે અને અન્યની સુરક્ષા માટે પણ ખૂબ જરૂરી હોવાનું વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું.
આવાબાઈ સ્કૂલની 150થી વધુ વિદ્યાર્થિનીઓને પોલીસ મથકે મુલાકાતે લઈ જવામાં આવી હતી.