- કોપરના પાઈપો ભરીને જતી ટ્રક બ્રિજ ઉપરથી નીચે ખાબકી
- મોડી રાત્રે ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક 40 ફૂટ નીચે ખાબકી હતી
- ટ્રક ચાલકને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
વલસાડઃ જિલ્લાના પારડી નેશનલ હાઈવે નંબર 48 પરથી મંગળવારના મળસ્કે લગભગ ત્રણેક વાગ્યાની આસપાસ અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલી ટ્રક નીચે નદીમાં ખાબકી હતી. ટ્રક ચાલક કાલુસિંગ ભરતસિંગ રાજપુત શ્રીનાથ હોટલ આગળ આવેલા રોહિત ખાડીના બ્રિજ પર પસાર થતા સમયે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેને લઈ ટ્રક બે બ્રિજ વચ્ચેના ભાગેથી રમકડાની માફક અંદાજે 40 ફૂટ નીચે પાણીમાં ખાબકી હતી.
ટ્રકચાલકનો ચમત્કારિક બચાવ
ટ્રક આટલી ઊંચાઈએથી નીચે પડતા ટ્રકનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું. જ્યારે ટ્રકચાલકને નાનીમોટી ઈજા પહોંચી હતી અને તેનો ચમત્કારિક બચાવ થયો હતો, હાલ ટ્રક ચાલક કાલુસિંગ વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ અમદાવાદના વિરમગામ ધાંગધ્રા હાઈવે પર ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે વ્યક્તિના મોત
આ અકસ્માતને લઈ ટ્રાફીક જામ સર્જાયો
આ ઘટનાને લઈ લોકોની ભીડ એકઠી થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય હતા. જેને લઇ પારડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક જામ હળવો કર્યો હતો. આ ટ્રકમાં કિંમતી એવા કોપરના પાઇપ ભર્યા હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ કોઈ કારણસર ટ્રક માલિકે આ અકસ્માત બાબતે ફરિયાદ નોંધાવી ન હતી.
પોલીસ મથકમાં ઘટના અંગે ફરિયાદ નોંધાઈ નથી
મહત્વનું છે કે, આ સમગ્ર ઘટનામાં ટ્રક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમ છતાં પણ ટ્રક માલિક કે આ સમગ્ર બાબતે પારડી પોલીસ મથકમાં ઘટના અંગે ફરિયાદ નોંધાવી નથી.