- શ્રી રામ મંદિર સમર્પણ નિધિ અંગે બેઠક મળી
- સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઉદ્યોગકારો રહ્યા ઉપસ્થિત
- સંઘના આગેવાનોએ આપી નિધિની વિગતો
વલસાડ : જિલ્લાના સરીગામ ખાતે સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોલમાં રાષ્ટ્રીય સ્વયંસેવકો અને સરીગામ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો સાથે અયોધ્યામાં નિર્માણ થનારા રામ મંદિરના નિર્માણમાં સમર્પણ નિધિ આપવા અંગે માર્ગદર્શન અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં ઉદ્યોગકારોએ પોતાના તરફથી અને કામદારો પાસેથી યથાયોગ્ય નિધિ એકઠી કરી પોતાનું સમર્પણ આપવાનું કહ્યું હતું.સરીગામ GIDCમાં SIA હોલ ખાતે આયોજિત રામ મંદિર સમર્પણ નિધિ અભિયાનની મિટિંગ મળી હતી. જેમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના ગુજરાત પ્રાંતના કાર્યવાહક યશવંત ચૌધરીએ રામ મંદિરના ભવ્ય ઇતિહાસને વાગોળી રામ મંદિર માટે કઈ રીતે દેશનો દરેક નાગરિક અને ઉદ્યોગપતિ પોતાની ઈચ્છા મુજબ નિધિ આપી શકે છે. તે અંગે વિસ્તૃત માહિતી આપી ઉદ્યોગકારોને અવગત કર્યા હતાં.
ઉદ્યોગકારો અને તમામ નાગરિકોનો ખૂબ જ સહયોગ
યશવંત ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે ભગવાન રામ સૌના દિલમાં બિરાજમાન છે. રામ મંદિરના નિર્માણ માટે લોકો સામેથી સમર્પણ નિધિ આપી રહ્યા છે. 15મી જાન્યુઆરીથી આ અભિયાન શરૂ થયું છે.ઉદ્યોગકારો અને તમામ નાગરિકોનો ખૂબ જ સહયોગ મળી રહ્યો છે.રામ મંદિર સમર્પણ નિધિ અભિયાન હેઠળ કેટલાક લેભાગુ લોકો પૈસા ઉઘરાવી રહ્યા છે. તે અંગે યશવંત ચૌધરીએ જણાવ્યું હતું કે, એવો એક કિસ્સો સુરતમાં બન્યો છે. પરંતુ આ નિધિ અંગે સંઘ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
કંપનીના કામદારોનો પણ સહયોગ લેવામાં આવશે
દરેક સ્વંયસેવક પોતાના વિસ્તારમાં નિધિ લેવા જાય છે. ત્યારે તેમની પાસે રામ જન્મભૂમિ નિર્માણક્ષેત્ર ટ્રસ્ટ નામની કુપન તેમજ બેન્ક એકાઉન્ટ નંબર સાથેનું રામ મંદિર નિર્માણનું પત્રક સાથે રાખે છે. દરેક દાતા પાસે તમામ વિગતો સાથે નિધિ મેળવે છે.રામ મંદિર સમર્પણ નિધિ અંગે સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પૂર્વ પ્રમુખો મુળજીભાઈ કટારમલ અને સિરીશ દેસાઈએ જણાવ્યું હતું કે, દરેક ઉદ્યોગપતિને પણ રામ પ્રત્યે આદર છે.
માઈક્રો પ્લાનિંગ કરી માતબર નિધિ માટે યથાયોગ્ય પ્રયાસ કરવાની નેમ
આજની મિટિંગમાં નિધિ કઈ રીતે આપવી તેની માહિતી મેળવી હતી. જે અંતર્ગત આગામી દિવસોમાં ઉદ્યોગકારો પોતે એક મિટિંગનું આયોજન કરી પોતાના તરફથી અને તેમના કામદારો તરફથી જે નિધિ આપશે તે એકઠી કરી મંદિર નિર્માણમાં સુપ્રત કરશે.સરીગામ ઉદ્યોગકારોએ આ પહેલા પણ અનેક વખત સમાજ માટે દેશ માટે શખાવતો કરી ચુક્યા છે. ત્યારે રામ મંદિર નિર્માણ માટે પણ પોતાનું સમર્પણ આપશે. જે માટે ખાસ માઈક્રો પ્લાનિંગ કરી માતબર નિધિ માટે યથાયોગ્ય પ્રયાસ કરવાની નેમ વ્યક્ત કરી હતી.