વાપીઃ GIDCમાં આવેલી શક્તિ બાયો સાયન્સ નામની કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી હતી અને આસપાસનો વિસ્તાર કોર્ડન કરી ખાલી કરાવવો પડ્યો હતો. આગની ઘટના અંગે વાપી ઇમર્જન્સી કન્ટ્રોલ સેન્ટર (VECC)ના ઇન્ચાર્જ એસ. એસ. પટેલે આપેલી વિગતો મુજબ સવા અગિયાર વાગ્યે કંપનીમાં આગ લાગી હતી. જે બાદ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. જો કે, આગનું સ્વરૂપ ખૂબ જ વિકરાળ હોય બહારથી જ પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
પ્રાથમિક માહિતી મુજબ આ કંપની વર્ષોથી બંધ હતી. જેને અન્ય ઉદ્યોગપતિએ ખરીદી કરી તેમાં ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ બનાવવા માટે રીનોવેશનની કામગીરી હાથ ધરી હતી. એ અરસામાં શનિવારે 11 વાગ્યે બીજા માળે અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. કંપનીમાં મોટા પ્રમાણમાં સોલ્વન્ટ કેમિકલ હતું. જે જ્વલનશીલ હોય છે, આગની જ્વાળાની ઝપેટમાં આવ્યા બાદ કંપનીને વિકરાળ આગની ઝપેટમાં આવી હતી.
આગને ફાયર ફાઇટરો બુઝાવતા હતાં ત્યારે જ બોઇલર અને ડ્રમ ફાટયા હતા. ત્રણ જેટલા મોટા ધડાકાએ આસપાસના લોકોમાં ગભરાટનો માહોલ ઉત્પન્ન કર્યો હતો. આગને બુઝાવવા વાપી દમણ સેલવાસ અને સ્થાનિક કંપનીઓમાંથી કુલ 11 ફાયર ફાઈટરો બોલાવ્યા હતાં. જેઓએ 25 ફેરા મારી પાણી અને ફોમનો મારો ચલાવી 4 કલાકે આગ પર કાબૂ મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આગની ઘટના સમયે પોલીસે પણ સમય સૂચકતા વાપરી આસપાસનો વિસ્તાર કોર્ડન કરી ખાલી કરાવ્યો હતો. ભારે પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના ધુમાડાના ગોટેગોટા ઉઠ્યા હતાં. જો કે કંપનીમાં કોઈ કામદાર કામ નહોતા કરતા અને રિનોવેશન કામગીરી ચાલતી હતી તો પછી આટલી મોટી આગ સર્જી શકતું સોલ્વન્ટ કેમિકલ કંપનીમાં કેમ રાખવામાં આવ્યું હતું અને તે અંગે કોઈ ફાયર સેફટી હતી કે કેમ તેવા અનેક સવાલો સર્જાયા છે. જેને લઈને લોકોમાં વીમો પકવવા માટે પણ કદાચ કંપનીને આગને હવાલે કરી દીધી હોવાનો ગણગણાટ શરૂ થયો હતો.