વલસાડ: લખમાપોર ગામના પટેલ ફળીયા રહેતી 35 વર્ષીય મહિલા હસુમતી પટેલની લાશ વેલવાચ ગામે વાઘદરડા ફળિયામાંથી અર્ધ સળગેલી હાલતમાં મળી આવતા તેના મોતનું રહસ્ય ઘેરાયું છે. પોતાના ઘરેથી તે 'પૈસા લેવા જાઉ છું, હમણા આવું છું' કહીને નીકળી હતી. જોકે,વહેલી સવારે વેલવાચ ગામના વાઘદરડા ફળિયામાં આવેલી પાણીની ટાંકી પાસે જાડી ઝાંખરામાં કોઈ અજાણી યુવતીની ઓળખ ન થઈ શકે તેવી અર્ધ સળગેલી હાલતમાં લાશ અંગેની જાણ સ્થાનિકોને થઈ હતી. જેને જોતા સ્થાનિકોએ પ્રથમ સરપંચને અને ત્યાર બાદ વલસાડ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે સમગ્ર બાબતને ગંભીરતાથી લઈને મૃતક યુવતી કોણ છે તે અંગેની તપાસ શરૂ કરી હતી.
પતિ સાથે લીધા હતાં છુટાછેડા, બે સંતાનની માતા: જોકે, પોલીસની તપાસ દરમિયાન મૃતક યુવતી વાડી તાલુકાના લખમાપર ગામની રહેવાશી હસુમતી મહેશ પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. લગ્ન કર્યા બાદ તેને તેના પતિ સાથે ન ફાવતા બંને છૂટાછેડા લઈને અલગ થઈ ગયાં હતાં અને તે બાદ આ યુવતી બે સંતાનો સાથે તેના માતા પિતા સાથે લખમણપુર ગામે રહેતી હતી. જો કે ગઈકાલે રાત્રે પૈસા લેવા જાઉં છું કહીને નીકળ્યા બાદ હસુમતી ઘરે પરત ફરી ન હતી તેથી પરિવારજનો એ આસપાસના વિસ્તારમાં તપાસ કરતા તેની કોઈ ભાળ મળી ન હતી.
પરિવારે કરી મૃતક યુવતીની ઓળખ: મૃતક યુવતી કોણ છે તે અંગે પોલીસ સવારથી તપાસ કરી રહી હતી, જે અંગે લખમાપર ગામથી ગુમ થયેલી યુવતીના પરિજનોને સ્થળ પર બોલાવીને યુવતીને અર્ધ સળગેલી હાલત બતાવતા તેણે પહેરેલા કપડાના આધારે તેની ઓળખ કરી હતી અને તે હસુમતી હોવાની ખાતરી કર હતી. હસુમતિના મોતથી તેના પરિવારજનોમાં આક્રંદ અને શોકની લાગણી ફરી વળી છે.
હત્યા થઈ હોવાની આશંકા: ભીલવાજ ગામે વાઘદરડા ફળિયામાં પાણીની ટાંકી પાસે મળી આવેલી યુવતીની લાશ અંગે અને તેના મોત અંગે અનેક રહસ્યો ઉઠી રહ્યા છે, ત્યારે હાલ તો પ્રાથમિક દ્રષ્ટિએ અર્ધ બળેલી હાલતમાં મળેલી લાશને જોતા તેની હત્યા થઈ હોવાની આશંકા જન્મી રહી છે. .હાલ પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કર્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.