વલસાડ: જિલ્લાના ધરમપુર તાલુકાના બીલપુડી ગામે રહેતા ડૉ. વિરલ ભરતભાઈ અટારા. જેઓ વ્યવસાયે વેટેરીનરી તબીબ છે. તેઓને પ્રાણીમાત્ર ઉપર પ્રેમ, દયા, કરુણા છે, સાથે સાથે પ્રકૃતિ સાથે પણ અખૂટ પ્રેમ અને શ્રદ્ધા ધરાવે છે. વિરલભાઈને બે વર્ષ અગાઉ જ તેમના નવા બનાવવામાં આવેલા મકાનને સુશોભીત કરવા માટે વિચાર આવ્યો હતો. તેમણે નક્કી કર્યું કે, વિવિધ ફૂલ, છોડ માટે તેઓ જાતે જ કુંડા બનાવશે અને તેમને કેટલાંક કબાડીવાળાને ત્યાં જઈ કેટલાક પ્લાસ્ટીકના ડબ્બાઓ લઇ આવી તેને કાપી કુપીને તેના ઉપર પોતાના મનગમતા રંગો લગાવી આકર્ષક વારલી પેઇન્ટિંગ બનાવી અને એજ કુંડાનો ઉપયોગ તેમને ઘરના વિવિધ ફૂલ છોડ ઉગાડવામાં કર્યો છે.
લીલા નારિયળને પાણી પીધા બાદ લોકો ફેંકી દે છે, પણ વિરલભાઈ તેને પણ લઈ આવી રંગ કામ કરી તેનો ઉપયોગ પણ એક કુંડા તરીકે કર્યો છે. છેલ્લા બે વર્ષમાં તેમને આવા અનેક કુંડા ચીજ વસ્તુઓ તેમજ ફેંકી દેવામાં આવેલા સ્પોર્ટ્સ સૂઝનો પણ ઉપયોગ એક કુંડા તરીકે કર્યો છે. વિરલભાઈએ બે વર્ષમાં 250થી વધુ ફૂલ છોડ પોતાના ઘરે સુશોભનમાં મૂક્યા છે. એમના ઘર આંગણે આવનાર દરેક તેમની આ કારીગરી જોઈ આકર્ષિત થાય છે. તેમના ઘરને જોવા માટે પણ અનેક લોકો દૂર દૂરથી આવી રહ્યાં છે.
વિરલભાઈએ ઇટીવી ભારતને ખાસ વાતચીત કરતા જણાવ્યું કે, મને પહેલેથી જ પ્રકૃતિ સાથે લગાવ છે અને જૂની ચીજ વસ્તુઓ લોકો ફેંકી દે છે, પણ હું તેનો ઉપયોગ વેસ્ટમા નહીં પણ બેસ્ટ તરીકે કરૂ છું. આદિવાસી સંસ્કૃતિ અને ઉત્સવો અને રીત રિવાજોને ઉજાગર કરતી વારલી કળા (પેઇન્ટિંગ)ને પણ મેં કુંડા ઉપર સ્થાન આપ્યું છે. જેથી વિસરાતો જતો વારલી પેઇન્ટિંગનો વારસો જળવાઈ રહે.
![dharampur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-01-westintobestgardningathome-specialstory-avb-7202749_18072020074512_1807f_00040_260.jpg)
નોંધનીય છે કે, તેમના ઘરના ઓટલે બારી નજીક ટેરેસ હોય કે, બાલ્કની દરેક સ્થળે વિવિધ ચીજોમાંથી બનાવવામાં આવેલ હોમ મેડ કુંડામાં વિવિધ ફૂલ છોડ ઉછેર્યા છે. એક નજરે તેમનું ઘર જાણે પ્રકૃતિએ શણગાર કર્યું હોય એમ અહીં આવનાર દરેકને આકર્ષે છે. વિરલ પટેલની જેમ દરેક લોકો પ્લાસ્ટિકને જાહેરમાં ફેંકી દેવા કરતા તેનો બેસ્ટ ઉપયોગ કરવામાં આવે તો ઘરની શોભા વધારી શકાય એમ છે.