વલસાડ: પારડી શહેરના સાઈસાંગરીલા સોસાયટીની એ-1 બિલ્ડીંગમાં ત્રીજા માળે ફ્લેટ નંબર 304માં રહેતા મનોજભાઈનો સાડા ચાર વર્ષનો દીકરો મન એકલો રમતો હતો. જેની માતા ઘર બહાર જતાં જ મને રમતા રમતા ઘરના મુખ્ય દરવાજાનું લોક કરી દીધું હતું અને ગેલેરીમાં જઈ ત્યાંના પણ દરવાજાનું લોક કરી દેતા મન ફસાઈ ગયો હતો. જેને લઈ મનના પરિવાર સાથે સોસાયટીમાં રહેતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
મનને કઈ રીતે બહાર કાઢવો તે મુંઝવણ હતી. આ સમયે સોસાયટીમાં રહેતા ધર્મેશ મોદીએ પાલિકાને જાણ કરી સ્કાય લિફ્ટર મશીન મંગાવ્યું હતું. આ સ્કાય લિફ્ટર મશીન લઈ પાલિકા કર્મચારી શૈલેષભાઈ, મનહરભાઈ, બાબુભાઈ, કલ્પેશભાઈ અને દિનેશભાઈ પહોંચ્યા હતાં અને મશીન મારફતે ત્રીજા માળની ગેલરી સુધી પહોંચ્યા હતા. ગેલરીની ગ્રીલમાં બે ફૂટની બારી હોવાથી તે ખોલી કિચનમાં પ્રવેશ્યા હતા, જ્યાંથી મુખ્ય દરવાજો ખોલ્યો હતો અને મન જે ગેલેરીમાં ફસાયો હતો, જ્યાં સ્લાઇડિંગ ડોર હતો. જે મારફતે ગેલેરીમાં ફસાયેલા મનને બહાર કાઢવામાં આવ્યો હતો.
એક દોઢ ક્લાક બાદ ફસાયેલો મન સહી સલામત બહાર આવતા પરિવાર સાથે સોસાયટીના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, પાડોશીની સતર્કતાએ બાળકને બચાવી લેવાયો હતો. જ્યારે પોતાના જ ઘરમાં બાળકોને એકલા મુકીને જતા રહેતા માતા-પિતા માટે એક લાલ બત્તી સમાન કિસ્સો સર્જાયો હતો.