શનિવારે વલસાડ જિલ્લા મથકમાં ગરમીનો પારો 38 ડિગ્રી પર રહ્યો હતો. જ્યારે વાપી વિસ્તારમાં ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચી જતા લોકો તોબા પોકારી ઉઠ્યા હતા. બપોરથી સાંજના પાંચ વાગ્યા સુધી શરીરની ચામડી દાઝે તેવી ગરમી પડતાં લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. ઘણા લોકોએ ઠંડી હવાના અહેસાસ માટે દમણના દરિયા કિનારે ધામા નાખ્યાં હતાં. પરંતુ દમણમાં પણ પારો 41 ડિગ્રીએ રહેતા ત્યાં પણ લોકોએ બળબળતા તાપનો અનુભવ કર્યો હતો.
બપોરે 12 થી 5 વાગ્યા દરમિયાન લોકોની રસ્તા પર અવરજવર થંભી ગઇ હતી. રસ્તા સૂમસામ થઇ ગયા હતા. આગ ઓકતા ગરમ પવનની ગતિ 18 કી.મી પ્રતિ કલાક થતા લોકોએ રીતસરનો ગરમ હવાનો અહેસાસ કર્યો હતો. ગરમીમાં ઠંડક મેળવવા માટે લોકોએ શેરડીનો રસ સહિતના ઠંડા પીણાંનો સહારો લીધો હતો. આ તરફ સેલવાસમાં પણ તાપમાનનો પારો વાપી દમણ કરતા પણ બે ડીગ્રી વધી 43 ડિગ્રીએ પંહોચ્યો હતો, અને દાદરા નગર હવેલીમાં પણ લોકો બળબળતા તાપથી તોબા પોકારી ઉઠ્યા હતા.
હવામાન ખાતાના સૂત્રો દ્વારા કરાયેલી આગાહી મુજબ, આગામી બે દિવસ સુરત અને વલસાડ ઉપરાંત સંઘપ્રદેશના વિસ્તારમાં હિટ વેવ સર્જાવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. અન્ય શહેરની વાત કરીએ તો ભુજ, કંડલા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો હતો. જ્યારે વાપી અને સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં વધતું તાપમાન શહેરીજનોને ચિંતામાં મૂકી રહ્યું છે. દિવસની કાળઝાળ ગરમી રાત્રે પણ વર્તાઈ રહી છે. બફારાના કારણે લોકોની ઊંઘ પણ હાલ તો વેરણ બની છે. તદુપરાંત, GEBની લાઈટ ગુલ થવાના કારણે લોકો અકળાઈ રહ્યા છે.