વડોદરા: શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ અલંકાર ટાવર સ્થિત ખાનગી હોટલના રૂમ નંબર-207માં બે દિવસ પહેલાં રોકાયેલા અમદાવાદના યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી ગઇ હતી. આ ઘટનાને લઈ હોસ્ટેલ સ્ટાફે સયાજીગંજ પોલીસને જાણ કરતા તાત્કાલીક પોલીસ ઘટના સ્થળે પોહચી ગઈ હતી. યુવકને હોટલના રૂમમાંથી બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. યુવકના મૃતદેહ પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું છે. પોલીસે આ સુસાઇડ નોટને કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના યુવાનનો આપઘાત: પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ નિકોલના રામનગર સોસાયટીમાં રહેતો પાર્થ પ્રવિણભાઇ ગઢડીયા (ઉં.વ.25) માર્કેટીંગમાં નોકરી કરતો હતો. ગત 31 મેના રોજ તે વડોદરા આવ્યો હતો અને સયાજીગંજમાં આવેલા અલંકાર ટાવર સ્થિત ખાનગી હોટલના રૂમ નંબર-207માં રોકાયો હતો. દરમિયાન બે દિવસથી રૂમમાં રહેલ યુવક બહાર ન આવ્યો અને રૂમમાંથી એકાએક દુર્ગંધ આવતા હોટલ સ્ટાફે પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી.
ફાયર વિભાગની મદદ લેવાઈ: ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને દરવાજો ખોલીને યુવકની લાશનો કબ્જો પોલીસને સોંપ્યો હતો. પોલીસે લાશનો કબજો લઇ પોષ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. હોટલ સ્ટાફ દુર્ગંધ આવતા આ યુવકની લાશ ડિકમ્પોઝ હાલતમાં હતી. જેથી માની શકાય કે તે બે દિવસ પૂર્વે આપઘાત કર્યો હોય શકે છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા હોટલના રૂમમાં તાપસ કરતા આ યુવકની લાશ પાસેથી બે ઝેરી દવાની બીટલો મળી આવી હતી. આ સાથે પાર્થ આપઘાત પૂર્વે લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી.
મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં મળ્યો: હોટલના રૂમમાં ઝેરી દવા ગટગટાવી લઇ આપઘાત કરી લેનાર પાર્થે બે દિવસ પહેલાંજ આપઘાત કરી લીધો હોવાનું મનાય છે. હોટલના રૂમમાંથી મળેલી લાશ ડિ-કંપોઝ થઇ ગઇ હતી. પાર્થે ચિઠ્ઠીમાં જણાવ્યું છે કે, મારી નોકરી છૂટી જવાના કારણે અંતિમ પગલું ભરું છે. નોકરી છૂટી જતા હું નાસીપાસ થઇ ગયો હતો. પોલીસે ઝેરી દવાની બે બોટલો તેમજ ચિઠ્ઠી કબજે કરી હતી. સાથે કોઈ પરિવારને હેરાન ન કરે મેં મારી મરજીથી આપગલું ભર્યું છે તેવું સ્પષ્ટ સુસાઇડ નોટમાં લખ્યું હતું.
ડિપ્રેશનના કારણે જીવન ટૂંકાવ્યું: આ ઘટનાની જાણ યુવકના પિતાને કરતા તેઓ તાત્કાલીક વડોદરા ખાતે દોડી આવ્યા હતા. યુવકના પિતાએ જણાવ્યું હતું કે, પુત્ર પાર્થ માર્કેટીંગમાં નોકરી કરતો હતો. માર્કેટીંગની નોકરી છૂટી ગયા બાદ તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. પરંતુ, પુત્ર આ પગલું ભરશે તેવો સપનામાં ન હતું. પુત્ર પાર્થનું આપઘાતનું બીજુ કોઇ કારણ નથી. માત્ર નોકરી છૂટી જવાના કારણે તેને આપઘાત કર્યો છે. આ અંગે ગુમ થયાની અરજી નિકોલ પોલોસ મથકમાં આપી હતી અને તેના આધારે સીસીટીવી ચેક કરતા કરતા અહીં પોહચ્યા છીએ તેવું જણાવ્યું હતું. આ મામલે સયાજીગંજ પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે સયાજીગંજ પી આઈ એ જણાવ્યું હતું કે, હાલમાં આ મળે એડી દાખલ કરવામાં આવી છે. યુવક પાસેથી મળેલી સુસાઇડ નોટના આધારે વધુ તાપસ ચાલુ છે.