વડોદરાઃ વિવાદોનું ઘર બનેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એક વાર ચર્ચામાં અને વિવાદમાં આવી છે. અહીં યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની પર એક યુવકે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે યુનિવર્સિટીમાં પ્રવેશ કરતો ન હોવા છતાં અહીં આવીને તેણે હુમલો કરતા અનેક સવાલો ઊઠ્યા છે.
આ પણ વાંચો MS University Controversy 12 નાપાસ વિદ્યાર્થિનીને મળ્યું એડમિશન, 6 મહિના પછી ફૂટ્યો ભાંડો
વિદ્યાર્થિની પાણી ભરવા ગઈ ને હુમલો થયોઃ એમ એસ યુનિવર્સિટીમાં ભણતી વિદ્યાર્થિની પોતાના મિત્રો સાથે હતી. તે પાણી ભરવા ગઈ ત્યારે અચાનક તેના પાડોશમાં રહેતા યુવકે યુનિવર્સિટી આવી તેની પર હુમલો કર્યો હતો. આ યુવકે તેનું ગળું દબાવતા યુવતીએ બૂમાબૂમ કરી હતી. ત્યારબાદ સિક્યોરિટી ગાર્ડ ત્યાં આવતા યુવક ત્યાંથી ભાગી ગયો હતો.
પાડોશમાં રહેતા યુવકે જ કર્યો હુમલોઃ મળતી માહિતી અનુસાર, વિદ્યાર્થિનીના પાડોશમાં રહેતો ઘનશ્યામ સૂર્યવંશી નામનો યુવક છેલ્લા 10 દિવસથી તેનો પીછો કરતો હતો. જોકે, યુવતી કેમ્પસમાં પાણી ભરવા જતા ઘનશ્યામે કૉલેજની યુનિટ બિલ્ડીંગમાં વિદ્યાર્થિનીનું ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેથી વિદ્યાર્થિનીએ આરોપી ઘનશ્યામને પાઠ ભણાવવા સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેને આધારે સયાજીગંજ પોલીસ દ્વારા ઘનશ્યામ સૂર્યવંશીની ધરપકડ કરી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
સિક્યોરિટી ગાર્ડે બચાવ્યો જીવઃ આ અંગે પીડિત વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, તે તેના મિત્રો સાથે બેઠી હતી. ત્યારે તે પાણી ભરવા ગઈ હતી. ને ત્યાં અચાનક તેની સોસાયટીમાં રહેતો ઘનશ્યામ સૂર્યવંશી આવીને ગળું દબાવ્યું હતું. જોકે, કયા કારણોસર તેણે આવું કર્યું તે મને ખબર નથી, પરંતુ સિક્યોરિટી ગાર્ડ ત્યાં આવી જતાં તે ભાગી ગયો હતો. જો સિક્યોરિટી સમયસર ન આવ્યા હોત તો હું હાલ મરી ગઈ હોત. તેણે મારા વાળ પકડીને મને માર પણ માર્યો હતો. 10 દિવસથી તે મારો પીછો કરતો હતો. આ અંગે મેં મારી માતાને પણ જાણ કરી હતી.