વડોદરા: આજે બીજી ફેબ્રુઆરી છે, એટલે કે પ્રકૃતિ અને વિશિષ્ટ જીવસૃષ્ટિના સંરક્ષણ માટે વેટલેન્ડ્સનું મહત્વ જાણવાનો દિવસ. પૃથ્વી પર આ વેટલેન્ડ્સ કેટલા મહત્વના છે? તે યાદ કરાવવા માટે અને તે અંગે જાગૃતિ લાવવા માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષે બીજી ફેબ્રુઆરીએ ‘વર્લ્ડ વેટલેન્ડ્સ ડે’ ની ઉજવણી કરવામાં આવે છે. તારીખ 02 ફેબ્રુઆરી 1971માં ઈરાનના રામસરમાં વેટલેન્ડ્સના વૈશ્વિક મહત્વ વિશે આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું. તેની જયંતિરૂપે પણ આજના દિવસની ઉજવણી ‘વર્લ્ડ વેટલેન્ડ્સ ડે’ તરીકે કરવામાં આવે છે.
ગુજરાતમાં 4 આદ્રભૂમિ: વેટલેન્ડ્સની વાત કરતા હોય અને વડોદરા જિલ્લાના વઢવાણા રામસર સાઈટનો ઉલ્લેખ ના થાય, તો કદાચ આ વાત અધૂરી અધૂરી લાગે. દેશમાં 75 આદ્રભૂમિને તેની વિશિષ્ટ જૈવ ભૌગોલિક સ્થિતિને ધ્યાને રાખી રામસર સાઇટની માન્યતા આપવામાં આવી છે. જેમાંથી ગુજરાતમાં 4 આદ્રભૂમિને આ માનવંતો દરજ્જો મળ્યો છે. વડોદરા માટે ગૌરવની વાત એ છે કે, રામસાઈ સાઈટનો માનવંતો દરજ્જો મેળવનાર 4 આદ્રભૂમિમાં વડોદરાના વઢવાણા તળાવનો પણ સમાવેશ થાય છે. ગર્વ લેવા જેવી વાત અહીં પૂરી નથી થતી. ભારતમાં માનવ નિર્મિત હોય એવી માત્ર પાંચ જ ‘રામસર સાઈટ’ છે, જેમાંથી એક આપણા વડોદરા જિલ્લાનું વઢવાણા તળાવ છે. આપણા માટે છાતી ગજ ગજ ફૂલે તેવી વાત.
વેટલેન્ડ્સ શું છે: વેટલેન્ડ્સ એવી મહામૂલી સંપત્તિ છે, જે જળવાયુ પરિવર્તન ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હવે તમને સવાલ થતો હશે કે, આ જળપ્લાવિત વિસ્તારો એટલે કે વેટલેન્ડ્સ શું છે ? વેટલેન્ડ એવો વિસ્તાર છે, જે આખા વર્ષ દરમિયાન પાણીથી ભરેલો રહે છે. આખા વર્ષ દરમિયાન ભૂગર્ભજળ લગભગ જમીનના સ્તરે હોય છે, તેથી આ વિસ્તારોમાં જળચર છોડનો પુષ્કળ વિકાસ થાય છે. છોડ અને પ્રાણીઓની સમૃદ્ધ શ્રેણી સાથેની વેટલેન્ડ્સમાં જૈવવિવિધતા અન્ય તમામ ઇકોસિસ્ટમ્સ કરતાં વધુ હોય છે, જે તેને અમૂલ્ય બનાવે છે.
આ પણ વાંચો Wetlands Day 2023 : નળ સરોવર ખાતે કરાશે વેટલેન્ડ ડેની ઉજવણી
રામસર સંધિ થઈ: વેટલેન્ડ્સ એ યાયાવર પક્ષીઓનું પ્રિય સ્થળ છે. વિશ્વભરમાં પક્ષીઓની અનેક જાતો વિવિધ ઋતુઓમાં અન્ય દેશોમાં પ્રવાસ કરે છે. આ પ્રવાસી પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન હેતુ વર્ષ-1960 ના દાયકામાં જે આદ્રભૂમિ પર સૌથી વધુ પ્રવાસી પક્ષીઓ આવતાં હોય તે સાઈટના રક્ષણ માટે વિવિધ દેશોની સરકાર વચ્ચે મંત્રણાઓ થઈ હતી. વર્ષ-1971 માં ઈરાનના ‘રામસર’ શહેરમાં નિષ્ણાંતો વચ્ચે ચર્ચાઓ થઇ હતી. જેને રામસર સંધિ તરીકે ઓળખવામાં આવે છે. તારીખ 21 ડિસેમ્બર,1975 ના રોજ પૂર્ણરૂપથી આ સંધિ લાગુ કરવામાં આવી હતી.
આ પણ વાંચો Migratory birds in Porbandar: શિયાળામાં મોકર સાગર વેટલેન્ડમાં યાયાવર પક્ષીઓનો જમાવડો
વિશિષ્ટ દરજ્જો આપવામાં આવે: ભારતે આ સંધિ તારીખ 1 ફેબ્રુઆરી, 1982ના દિનથી અપનાવી છે. પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ જ વિશિષ્ટ હોય એવાં ભેજવાળા સ્થળોને રામસર આંતરરાષ્ટ્રીય સંધિ પ્રમાણે સંરક્ષણ આપવામાં આવે છે. દર વર્ષે તેમાં નવા-નવા સ્થળો ઉમેરવામાં આવે છે.
કઈ રીતે જાહેરાત થાય: નાયબ વન સંરક્ષણ રવિરાજસિંહ રાઠોડે જણાવ્યું કે, રામસર સાઇટ નિયત કરવાં માટે કેટલાંક આંતરરાષ્ટ્રીય માપદંડો છે. જેમાં એવાં સ્થળો કે, જ્યાં જૈવ ભૌગોલિક વિસ્તારમાં જૂજ અને વિશિષ્ટ પ્રકારની આદ્રભૂમિ હોવી જોઇએ. ‘રામસર સાઇટ’ જાહેર કરવાં માટે નિયત પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. નિયત માપદંડોની ચકાસણી કરી યુનેસ્કોને જે-તે આદ્રભૂમિને ‘રામસર સાઇટ’ જાહેર કરવાં માટે દરખાસ્ત કરવામાં આવે છે. યુનેસ્કોની ટીમ દ્વારા જરૂરી તપાસ કરીને જે-તે સ્થળને ‘રામસર સાઇટ’ જાહેર કરવામાં આવે છે.
વિશેષ અનુદાનની ફાળવણી: દેશમાં ‘રામસર સાઇટ’ જાહેર થયાં બાદ જે-તે વિસ્તારને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ ઓળખ મળવાની સાથે તેની જૈવસંપદાના સંરક્ષણ માટે વિશેષ બળ અને પ્રયત્ન થાય છે. આ ઉપરાંત, જે તે રાજ્ય સરકાર દ્વારા ‘રામસર સાઇટ’ માટે વિશેષ અનુદાન આપવામાં આવે છે. ગુજરાતમાં આવેલી આવી ચાર સાઇટ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા1 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ગુજરાતમાં કયા કયા રામસર: આપણાં દેશમાં અત્યાર સુધીમાં 75 આદ્રભૂમિ (વેટલેન્ડ) વાળા વિસ્તારોમાં પોષિત થઇ રહેલી જૈવ વિવિધતાને ધ્યાને રાખીને તેને ‘રામસર સાઇટ’ તરીકે જાહેર કરવામાં આવી છે. ભારતમાં ‘રામસર સાઇટ’ હોય તેવી આદ્રભૂમિનો કુલ વિસ્તાર 13,26,677 હેક્ટર જેટલો છે. ગુજરાતમાં ‘રામસર સાઇટ’ તરીકે અત્યાર સુધીમાં ચાર સ્થળોનો સમાવેશ થયો છે. જેમાં વર્ષ-2012માં અમદાવાદ નજીક નળ સરોવર પક્ષી અભયારણ્ય, વર્ષ-2021માં મહેસાણા જિલ્લાના થોળ તળાવ પક્ષી અભયારણ્ય, વડોદરા જિલ્લાના ડભોઇ નજીક વઢવાણા તળાવ અને જામનગર જિલ્લાના ખીજડિયા પક્ષી અભયારણ્યને ‘રામસર સાઇટ’ જાહેર કરવામાં આવી છે. આ ચારેય સાઇટનો કુલ વિસ્તાર 13,841 હેક્ટર જેટલો થાય છે.
માનવ સર્જિત આદ્રભૂમિ: કુલ ત્રણ પ્રકારની ‘રામસર સાઇટ’ હોય છે. જેમાં દરિયાઇ અને દરિયાઇ પટ્ટી, આંતરિક આદ્રભૂમિ અને માનવ સર્જિત આદ્રભૂમિ એમ ત્રણ પ્રકાર છે. મજાની વાત તો એ છે કે, આખા ભારતમાં માનવ સર્જિત આદ્રભૂમિ હોય એવી માત્ર પાંચ જ ‘રામસર સાઇટ’ છે, જેમાંથી એક ગુજરાતની ‘વઢવાણા તળાવ’ છે. આ તળાવ મહારાજા સયાજીરાવ ત્રીજાએ બનાવ્યું હતું. આવાં માનવ નિર્મિત જળપ્લાવિત વિસ્તાર બિહારમાં એક, તામિલનાડુમાં બે અને મહારાષ્ટ્રમાં એક છે.
દેશમાં 75 રામસર સાઇટ: આપણાં દેશમાં કુલ 75 ‘રામસર સાઇટ’ છે. જેમાં સૌથી વધુ ‘રામસર સાઇટ’ તામિલનાડુમાં 14, તે બાદ ઉત્તરપ્રદેશમાં 10 સાઇટ છે. જ્યારે, હિમાચલ પ્રદેશમાં 3, કર્ણાટક, ત્રિપુરા, ઉત્તરાખંડ, ગોવા, મણિપૂર, મિઝોરમ, આસામ, આંધપ્રદેશ અને બિહારમાં એક-એક સાઇટ આવેલી છે. જમ્મુ કાશ્મીરમાં પાંચ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, લદ્દાખમાં બે-બે, કેરળ અને મહારાષ્ટ્રમાં ત્રણ-ત્રણ, પંજાબ, ઓડિશામાં છ-છ, એવી જ રીતે ગુજરાત અને મધ્યપ્રદેશમાં ચાર-ચાર રામસર સાઇટ છે.
યાયાવર પક્ષીઓનો જમાવડો: રાજ્યની ચારેય ‘રામસર સાઇટ’ ઉપર શિયાળામાં મધ્ય એશિયાથી આવતા સેંકડો યાયાવર પક્ષીઓનો જમાવડો થાય છે. રાજ્ય સરકાર દ્વારા પણ આ સાઇટને વિકસાવવાં માટે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. વિકાસ સાથે પ્રકૃતિનું પણ જતન અને સંવર્ધન થાય તે સમયની માંગ છે. પ્રકૃતિની સમતુલા જાળવવાં માટે તે જરૂરી છે તેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પણ નવી નવી સાઇટોને ‘રામસર સાઇટ’ તરીકે જાહેર કરવામાં આવે તે માટે વન વિભાગ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.