વડોદરા : ગુજરાત રાજ્યમાં મજૂરી અર્થે આવેલા અને અનેક શહેરોમાં મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પરપ્રાંતિય શ્રમિકો હાલતો ગુજરાત છે. પોતાના વતનમાં જવા માટે ટ્રેનની સુવિધા કરવામાં આવી છે, પરંતુ વડોદરાના નબળા વહીવટી તંત્રને કારણે અનેક પરપ્રાંતિય શ્રમિકોને માત્ર કચેરીના ધક્કા ખાવા પડે છે અને સુચારુ સંકલનના અભાવે આવા શ્રમિકોને પોતાના વતનમાં જવા માટે પછી આવનારા અનેક દિવસો સુધી રાહ જોવાની નોબત આવી છે.
શહેરના નર્મદા ભવન ખાતે આજે સોમવારે વહેલી સવારથી મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો વતનમાં જવા માટેની જરૂરી કાર્યવાહી કરવા માટે એકઠા થયા હતા, પરંતુ વહીવટી તંત્રની નિષ્કાળજીને પરિણામે આ તમામ શ્રમિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. શ્રમિકોને જરૂરી પાસ અને બીજી જરૂરી કાર્યવાહી તંત્ર દ્વારા ન કરવાને કારણે અનેક શ્રમજીવી ભાઈઓ અને બહેનો આજે સોમવારે નર્મદા ભુવન ખાતે અટવાઈ ગયા હતા. આ તકે તંત્રના પાપે આ ગરીબ અને નિઃસહાય શ્રમિકોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી હતી.