વડોદરા: બેટી બચાવો બેટી પઢાવો અને મહિલા સશક્તિકરણનો સંદેશ લઈ સીઆરપીએફના મહિલા બાઇકર્સની ત્રણ ટુકડીઓમાંથી એક ટુકડી આજે વડોદરા જિલ્લાના ડભોઇ નગરનાં શિનોર ચોકડી ખાતે આવી પહોંચી હતી. ધારાસભ્ય, વહિવટી તંત્રના અધિકારીઓ, પોલીસ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ ડભોઇ કોલેજના એનસીસી અને એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા તેઓનું ઉષ્મા ભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન: ડભોઇ કોલેજ કેમ્પસ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ નાયબ કલેક્ટર સહિતના હોદ્દેદારો દ્વારા આ તમામ મહિલા અધિકારીઓનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને સીઆરપીએફના સંયુક્ત ઉપક્રમે આ બાઈક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. 10,000 ઉપરાંત કિલોમીટરનું અંતર કાપી ડભોઈ આવી પહોંચેલ આ મહિલબાઇકર્સોનું પરંપરાગત લોકનૃત્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
બાઈકર્સ અભિયાનમાં જોડાયા: 150 ઉપરાંત સીઆરપીએફના મહિલા બાઇકર્સની રોયલ એનફિલ્ડ બાઈક લઈને ત્રીજી ઓક્ટોબર 2023 ના રોજ ત્રણ ટુકડીમાં ક્રોસ કન્ટ્રી રેલીની શરૂઆત ઉત્તરથી શ્રીનગર, પૂર્વીય વિસ્તારથી શિલોંગ, અને દક્ષિણથી કન્યાકુમારી ખાતેથી યશસ્વીની ગ્રુપ નામે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત આ બાઈક રેલીની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનની એક ટીમ કન્યાકુમારીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 -મી ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસે પહોંચવા કેટલાય રાજ્યોને પસાર કરીને વડોદરા જિલ્લાના ડભોઇ નગરનાં આંગણે આવી પહોંચ્યા હતા. જેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આટલું બધું અંતર બાઈક ઉપર કાપ્યું હોવા છતાં આ મહિલા બાઈકર્સમાં જોરદાર જોમ, જુસ્સો અને તાજગી જોવા મળતી હતી. આ મહિલા બાઇકર્સની બાઈક રેલી 31 ઓક્ટોબર 2023 ના રોજ એકતા નગર (કેવડિયા કોલોની) સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાત ખાતે સંપન્ન થશે.
મહિલા સશક્તિકરણને પ્રોત્સાહિત કરવાનું આયોજન: આ પ્રસંગે ડભોઇ - ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ, તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ તડવી સહિતના આગેવાનો દ્વારા યશસ્વીની મહિલા બાઇકર્સ ટીમની તમામ મહિલાઓની શક્તિ અને અનેરા સાહસને બિરદાવવામાં આવ્યું હતું. તમામનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહિલા સશક્તિકરણના સીઆરપીએફના મહિલા બાઈકર્સના આ પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા.
મહિલાઓને પ્રેરણા આપવાનો પ્રયાસ: આ બાઈક સફરમાં લાખો મહિલાઓને પ્રેરણા આપવા માટે મહિલા બાઈકર્સ દ્વારા વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ નિર્ધારિત રૂટ અનુસાર ડભોઇ ખાતેથી એકતા નગર (કેવડિયા )સુધી સીઆરપીએફની મહિલા બાઇકર્સ ટીમ યશસ્વીની ગૃપને આગળના રૂટ માટે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, સાથે વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત વિવિધ કોલેજોના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સીઆરપીએફના મીનાક્ષીબેન ભટ્ટ, વિજય કુમાર વર્મા તારા જેવી યાદવ, અમિત જોશી, દિનેશ ચંદેલ સહિતના અધિકારીઓએ પણ ઉપસ્થિત રહીને મહિલા સશક્તિકરણનો સંદેશ આપ્યો હતો અને મહિલાઓને પગભર થવા માટે પ્રેરણા આપી હતી.