વડોદરા : શહેરથી અંદાજે 140 કિમીના અંતરે દાહોદ જિલ્લામાં રતન મહાલ વન્ય જીવ અભયારણ્ય આવેલું છે. જે રીંછ માટે ખ્યાતનામ છે. પણ બહુ ઓછા લોકો જાણે છે કે આ અભયારણ્ય ભાત ભાતના રંગબેરંગી પક્ષીઓનું પણ મનગમતું આશ્રય સ્થાન છે. વડોદરાના પક્ષી તસવીરકાર એટલે કે બર્ડ ફોટોગ્રાફર ડો.રાહુલ ભાગવત કેમેરો લઈને આ અભયારણ્યના ખૂણે ખૂણે ફરી વળ્યા છે અને ખૂબ જહેમત ઉઠાવીને અહીંના પક્ષીઓને કેમેરાની આંખે કચકડે મઢી લીધાં છે. આમેય, બર્ડ વૉચિંગ અને ફોટોગ્રાફી એ ધીરજ, સંયમ, ચપળતા અને પારાવાર પરસેવો વહાવવાનું કામ છે.
ડો.રાહુલની આ જહેમત વન વિભાગને ગમી જતાં, તેમના ફોટોગ્રાફ્સને આધારે રતન મહાલ વન્ય જીવ અભયારણ્ય પક્ષી માર્ગદર્શિકા બનાવવામાં આવી છે. વડોદરા વન્ય જીવ વિભાગના ઉપક્રમે પરિસરિય પ્રવાસન વિકાસ સમિતિ, નળધા દ્વારા તેનું પ્રકાશન કરવામાં આવ્યું છે. જે હાલમાં રતન મહાલ રીંછ અભયારણ્યની કચેરીમાં ઉપલબ્ધ છે.
ડો.રાહુલે પક્ષી અને વન્ય જીવ છબિક્લામાં ઘણું ઊંડુ ખેડાણ કર્યું છે અને દેશના ખ્યાતનામ પક્ષી અને વન્ય જીવ તીર્થોમાં સાહસ અને ધીરજ સાથે ફોટોગ્રાફી કરી છે. આ પુસ્તક તેમની જહેમતને રજૂ કરતું પ્રથમ પ્રકાશન છે જે રતન મહાલ અને તેના પક્ષી વારસાને હાર્દમાં રાખીને બનાવવામાં આવ્યું છે.
રતન મહાલ અભયારણ્યમાં અંદાજે દેશી વિદેશી 205થી વધુ પ્રકારના પક્ષીઓ, કેટલાક બારે માસ અને કેટલાક અનુકૂળ મોસમમાં જોવા મળે છે. આમ, તો અહીં બારેમાસ બર્ડ વૉચિંગ કરી શકાય, પરંતુ શિયાળો અને ચોમાસાં પહેલા ઉતરતો ઉનાળો પક્ષી દર્શન માટે વધુ અનુકૂળ ગણાઇ તેવું તેમનું કહેવું છે. ચોમાસામાં અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રહે છે. હાલમાં વન વિભાગે તેના એક ભાગને વિશેષ બર્ડિંગ ઝોન જાહેર કર્યો એને તેઓ એક સારું કદમ ગણાવે છે.
ડો.રાહુલની આ પુસ્તિકા પ્રકાશિત કરતા વન વિભાગનો આભાર વ્યક્ત કર્યો છે. તેેઓએ જણાવ્યું કે વન સંરક્ષક આરાધના શાહુ, શશિકુમાર અને નાયબ વન સંરક્ષક ડો.ધવલ ગઢવીના પ્રોત્સાહનથી આ શક્ય બન્યું છે. તેમને આ કામમાં રોહિત વ્યાસ, ડૉ.ભાવિક પટેલ અને નિશા ફડકે ભાગવતની વિશેષ મદદ મળી છે.
પંખાળા દેવદૂતો જેવા પક્ષીઓ પ્રકૃતિની શોભા અને વિરાસત છે. તેની જાણકારી જેટલી વધશે એટલા વધુ પ્રમાણમાં લોકોને તેમના રક્ષણમાં જોડી શકાશે. આ માર્ગદર્શિકા પ્રવાસીઓને રતન મહાલના પક્ષીઓની ઓળખ આપશે.