વડોદરાઃ ભાજપમાં આતંરિક વિખવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેથી એક પછી એક ધારાસભ્યો રાજીનામું આપી રહ્યાં છે, ત્યારે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે રાજીનામાની ચિમકી આપતાં સ્થાનિક રાજકારણ ગરમાયું હતું. જે અંગે વાત કરતાં મધુ શ્રી વાસ્તવે જણાવ્યું છે કે, "તેમને પક્ષમાં કોઈ મતભેદ નથી. તેમને મહેસૂલ વિભાગના અધિકારીની બેદરકારી સામે વાંધો છે અને તેઓ રાજીનામું આપી રહ્યાં નથી."
સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારના કામ નહીં થતાં તેઓએ રાજીનામું આપી દીધું હતું. પક્ષના મોવડીઓની દોડધામ બેઠક બાદ કામો થશેની બાંહેધરી મળતાં કેતન ઈનામદારે રાજીનામુ પાછું ખેંચ્યું હતું, પરંતુ બાદમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે તેમના વિસ્તારના કામો ન થતાં હોવાથી રાજીનામાંની ચીમકી આપી અધિકારીઓ સાંભળતા નહીં હોવાનું કહી નારાજગી દર્શાવી હતી.
મીડિયા સાથે વાત કરતાં મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે,વાડી વિસ્તારમાં મહાદેવ તળાવમાં બજરંગબલી દાદાનું ધર્મનું કામ છે અને ધર્મના કામમાં મંજૂરી માગી હતી. જેની વડોદરા કોર્પોરેશને મંજૂરી પણ આપી દીધી છે, પરંતુ મહેસૂલ વિભાગની બેદરાકારીના કારણે હનુમાનજીની પ્રતિમા પ્રસ્થાપિત કાર્ય અટકી ગયું છે. મને પક્ષ માટે કોઈ નારાજગી નથી અને હું રાજીનામું પણ આપવાનો નથી."
આમ, શહેરના વાડી મહાદેવ તળાવમાં હનુમાનજીની પ્રતિમા પ્રસ્થાપિત કરવા મામલે મહેસુલ મંત્રાલયમાં ફાઈલ પેન્ડિંગ હોવાથી વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે રાજીનામાની ચીમકી ઉચ્ચારતા સત્તાધારી પક્ષમાં પુનઃ એક ભૂકંપનો આંચકો આવતા રાજકીય મોરચે ખળભળાટ મચ્યો છે.