- નેશનલ ક્રેડેટ કોર્પ્સ(NCC)ના 72મા સ્થાપના દિવસની ઉજવણી
- વડોદરા NCC દ્વારા ધ્વજ વંદન, સલામી સહિતનાં કાર્યક્રમ યોજાયા
- આર્મી વિંગના કર્નલે ક્રેડેટ્સની ઉપસ્થિતિમાં NCC ધ્વજને સલામી આપી
વડોદરા : નેશનલ ક્રેડેટ કોર્પ્સ(NCC)નો રવિવારના રોજ સ્થાપના દિવસ હતો. વડોદરા NCC દ્વારા 72મા રાઇઝિંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત ધ્વજ વંદન, સલામી સહિતનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
લશ્કરની ત્રણે પાંખમાં જોડાવવા માટેની પ્રાથમિક તાલીમ આપતું સ્વૈચ્છિક સંગઠન : NCC
NCCએ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે લશ્કરની ત્રણે પાંખ આર્મી, નેવી અને એરવિંગમાં જવા માટેની પ્રાથમિક તાલીમ આપતું સ્વૈચ્છિક સંગઠન છે. જે દેશના વિદ્યાર્થીઓ અને યુવાનોને શિસ્તની તાલીમ આપીને દેશભક્તિના ગુણો વિકસાવવાનું કાર્ય કરે છે. આ સાથે સૈન્યની તાલીમ પણ આપવામાં આવે છે. કેડેટ્સમાં ફરજ, એકતા અને શિસ્ત સહિત તેમના ધ્યેયને અનુલક્ષીને દેશ માટે સર્વશ્રેષ્ઠ સહયોગી શક્તિ બનવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
ક્રેડેટ્સની ફરજો અને સમાજ સેવા માટે અનુરોધ
આર્મી વિંગના કર્નલ પવન કુમાર દ્વારા ક્રેડેટ્સની ઉપસ્થિતિમાં NCCના ધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. જે બાદ ક્રેડેટ્સ તેમજ ઉપસ્થિત અધિકારીઓએ ધ્વજને સલામી આપી હતી. કર્નલ પવન કુમાર સાથે AO અમિત બેનરજી પણ ઉપસ્થિત રહ્યા હતા. કર્નલ પવન કુમારે આર્મી વિંગના ક્રેડેટ્સને સંબોધન કરીને ક્રેડેટ્સની ફરજો અને સમાજ સેવા માટે અવગત કરવામાં આવ્યા હતા.
NCCના ગીતનું સમૂહ ગાન પણ કરવામાં આવ્યું
સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોરોનાની ગંભીરતાને ધ્યાને લઇને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેંરવાનો આગ્રહ રાખવામાં આવ્યો હતો. જે બાદ દેશ માટે કંઈક કરવા માટે દેશની અખંડિતતા તેમજ સમાજ સેવા કરવા માટેના શપથ લેવામાં આવ્યા હતા. આ સાથે NCCના ગીતનું સમૂહ ગાન પણ કરવામાં આવ્યું હતું.