વડોદરાઃ વાઘાડિયા તાલુકાના જરોદ ગામે કમળાના કેસમાં વધારો નોંધાયો છે. જરોદમાં 20થી 24 નવેમ્બરમાં કમળાના કેસ વધીને 144 થઈ ગયા હતા. આરોગ્ય તંત્ર આ ઘટનાને પરિણામે દોડતું થઈ ગયું છે. કમળાના દર્દીમાં તોતિંગ વધારાને લીધે રેફરલ હોસ્પિટલમાં બેડની અછત સર્જાઈ છે. તેમજ રોગચાળાને લીધે ગામલોકોમાં ચિંતા ફરી વળી છે.
આરોગ્ય તંત્ર એક્શન મોડમાંઃ વડોદરા જિલ્લામાં આ રીતે કમળાના કેસમાં ઉછાળો આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. આરોગ્ય અધિકારીઓએ જરોદ ગામની મુલાકાત લીધી હતી. પાંચ દર્દીઓના સેમ્પલનું પરિક્ષણ સયાજી હોસ્પિટલમાં કરાવવામાં આવ્યું. જેમાંથી બે દર્દીઓને હિપેટાઈટિસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ વધુ દસ દર્દીઓના સેમ્પલ સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. મેડિકલ ટીમ દ્વારા ઘરે ઘરે ક્લોરિન ટેસ્ટ અને સર્વેલન્સની કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ સર્વેલન્સમાં કમળાના 144 જેટલા કેસ મળી આવ્યા હતા. જેમાંથી 77 દર્દીઓને રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કુલ 16 દર્દીઓને સારવાર બાદ રજા આપી દેવાઈ છે. સ્થાનિકોમાં ઉકાળેલુ પાણી પીવું, વાસી ખોરાક ન ખાવો વગેરે જેવી સાવધાનીપૂર્વક વર્તવાની સલાહ આરોગ્ય વિભાગ દ્વારા અપાઈ રહી છે. આરોગ્ય વિભાગ ઉપરાંત સયાજી હોસ્પિટલની રેપીડ ટેસ્ટ ટીમ પણ જરોદ આવી પહોંચી છે. પાણી પુરવઠાની ટીમો પણ ખડે પગે કાર્યવાહી કરી રહી છે.
વડોદરાના જરોદ ગામે 20 તારીખથી છુટાછવાયા કમળાના કેસ જોવા મળ્યા હતા. તેથી અમારી આરોગ્ય વિભાગની સર્વેલન્સ ટીમે ઘરે ઘરે સર્વેલન્સ હાથ ધર્યુ હતું. ત્યારબાદ તા. 25 નવેમ્બરના રોજ સૌથી વધુ 7 કેસ જોવા મળતા કુલ 20 કેસ જોવા મળ્યા હતા. આ દર્દીઓની વડોદરા ખાતે સારવાર ચાલી રહી છે. જ્યારે 2 કેસની પ્રાઈવેટ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે. આમ કુલ 22 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગની ટીમો ઘરે ઘરે ઉકાળેલું પાણી પીવું તેમજ વાસી ખોરાક ન ખાવો તેની માહિતી આપી રહી છે...મીનાક્ષી ચૌહાણ