વડોદરા: ભારત સરકારના સ્માર્ટ સીટી પ્રોજેક્ટમાં સમાવિષ્ટ એવું વેમાલી ગામની સ્થિતિ જોઈને લાગે છે કે આ ગામનો વિકાસ રૂંધાઇ ગયો છે. અંદાજિત 17 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં સ્મશાને જાવ માટે રોડની સુવિધા પણ નથી. ઉલ્લેખનીય છે કે અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર વડોદરાના છેવાડે આવેલા વેમાલી ગામને 4 વર્ષ પહેલા વડોદરા કોર્પોરેશનમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું હતું જેથી તે હવે શહેર વિસ્તારમાં ભળી ગયું છે. લોકો કોર્પોરેશને વેરો ભરતા હોવા છતાં કોઈ પણ પ્રકારની સુવિધાઓ મળી નથી.
સ્મશાન જવા માટે ટ્રેક્ટરનો સહારો: સ્માર્ટ સીટી વડોદરામાં સમાયેલ વેમાલી ગામથી સ્મશાન જવાનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી ચોમાસામાં અહીં સ્મશાન યાત્રા કાઢવી મુશ્કેલ બની જાય છે. જેથી માણસને મર્યા પછી પણ શાંતિ મળતી નથી. ગામમાં કોઈનું મરણ થાય તો ટ્રેક્ટરમાં સ્મશાન યાત્રા કાઢવી પડે છે અને લોકો જીવના જોખમે ટ્રેક્ટરમાં બેસીને સ્મશાન યાત્રામાં જોડાય છે. જે લોકો સ્મશાન યાત્રામાં ચાલતા જોડાય તે લોકો માટે કાદવ-કીચડવાળા રસ્તા પરથી સ્મશાને પહોંચવુ ખૂબ જ મુશ્કેલ બની જાય છે.
'અમારું ગામ કોર્પોરેશનમાં ભળી ગયું હોવા થતાં માત્ર કાગળ પર વાતો થાય છે. આ લોકો પબ્લિકને ઉલ્લુ બનાવવાના ધંધા કરે છે. અમારા ગામની સ્મશાન જવાનો રસ્તો ચોમાસામાં કાદવ-કીચડવાળો થઈ જાય છે, જેથી કોઈનું મૃત્યુ થાય તો અમારે ટ્રેક્ટરમાં સ્મશાન યાત્રા કાઢવી પડે છે. કોર્પોરેટર અને ધારાસભ્ય જાતે અહીં આવે અને આ રસ્તો જોઈ જાય અને અમારા ગામનો આ સ્મશાન જવાનો મુખ્ય માર્ગ છે. તેને ચોમાસામાં ક્લિન રાખી શકાય તેવુ આયોજન કરે તેવી અમારી માંગણી છે.' -નિલેશ પરમાર, સ્થાનિક
અધિકારીનો લુલો બચાવ: વડોદરાના મહાનગરપાલિકાના ઉત્તર ઝોનના કાર્યપાલક ઇજનેર ધાર્મિક દવેએ જણાવ્યું હતું કે, વેમાલી ગામથી સ્મશાન તરફના રસ્તો મંજૂર થઈ ગયો છે. પણ ચોમાસાના કારણે હાલ કામગીરી શરૂ કરાઈ નથી, તે ચોમાસા પછી બનાવવામાં આવશે. હાલ ખાડા હશે તો રોડા નાખીને રસ્તાને હાલ વ્યવસ્થિત કરી દઇશું તેવું ટેલિફોન વાતચીતમાં જણાવ્યું હતું.
'છેલ્લા 4 વર્ષથી અમારું વેમાલી ગામ કોર્પોરેશનમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. કોર્પોરેશનની ચૂંટણી થયા બાદ નવા કોર્પોરેટરોને પણ અઢી વર્ષ જેટલો સમય વિતી ગયો છે. આવા સંજોગોમાં વેમાલી ગામમાં પાયાના વિકાસના કામો તે સાવ અધૂરા રહ્યા છે. કોર્પોરેશનનું તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અમારી વાતને ધ્યાને ધરવા માટે તૈયાર નથી. પાણીનો પ્રશ્ન હોય, ડ્રેનેજ લાઇનનો પ્રશ્ન હોય, રોડ-રસ્તાનો પ્રશ્ન હોય કોઇ પણ મુદ્દે અમારા ગામની અવગણના કરવામાં આવી રહી છે.' -નિલેશભાઈ પટેલ, વેમાલી ગામના આગેવાન
જીવન જોખમે સ્મશાને જતા લોકો: આ રોડ વેમાલી ગામથી સ્મશાને જતો રોડ છે. આ રોડ એટલી ગંભીર હાલતમાં છે કે, જ્યારે ગામમાં કોઇ પણ વ્યક્તિનું મૃત્યુ થાય અને મૃતદેહને વેમાલીના સ્મશાને લઇ જવાની જરૂરીયાત પડે, તે સમયે અમારે ટ્રેક્ટરમાં સ્મશાન યાત્રા કાઢવી પડે છે અને કેટલાક લોકોને આ ગંદકીમાં ચાલતા-ચાલતા સ્મશાન સુધી પહોંચવુ પડે છે. ટ્રેક્ટરમાં એટલુ બધુ જોખમ રહેલુ હોય છે કે, ટ્રેક્ટર ગમે તે સમયે પલટી ખાઈ શકે છે. આમ લોકોના જીવ જોખમમાં મૂકીને અમારે અંતિમક્રિયા કરવા માટે સ્મશાન સુધી જવુ પડે છે.
ઉપવાસ આંદોલનની ચીમકી: ગામના પૂર્વ સરપંચ નિલેશ પટેલે જણાવ્યું હતું કે હું સખત શબ્દોમાં માંગણી કરું છું કે, જો કોર્પોરેશન આ વિસ્તારના કામો ન કરી શકતુ હોય, આ વિસ્તારની અવગણના જ કરવી હોય તો અમને શહેરમાંથી બાકાત કરીને અમારા ગામને જિલ્લાને પરત સોંપી દે. તંત્રના કાન બહેરા થઈ ગયા છે કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓના કાન બહેરા થઈ ગયા છે. મેયર, સાંસદ અને શહેર ભાજપ પ્રમુખને રજૂઆતો કરી છે, તેમ છતાં આ વિસ્તારની સતત અવગણના કરવામાં આવે છે. અમારી માંગણીઓ પૂર્ણ નહીં થાય તો અમે રાજ્ય સરકાર સામે આમરણાંત ઉપવાસ આંદોલન કરીશું.