- ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવીની મદદથી લાપતા વૃદ્ધાને શોધી કાઢી
- પરિવારજનો સાથે મેળાપ કરાવ્યો
- માનસિક બીમારીથી પીડાતી વૃધ્ધા લાપતા થઈ હતી
વડોદરાઃ શહેરના પ્રતાપગંજ વિસ્તારમાંથી લાપતા થયા બાદ 70 વર્ષીય વૃદ્ધાને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવીની મદદ લઈને શોધી કાઢી પરિવારજનો સાથે મેળાપ કરાવતા પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી હતી.
વડોદરામાં લગાવાયેલા કરોડો રૂપિયાના સીસીટીવી ખરા અર્થમાં લોક ઉપયોગી સાબિત થયા
શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે લગાવાયેલા ઠેર-ઠેર જગ્યાઓ ઉપરના સીસીટીવી કેમેરા સાચા અર્થમાં લોકોપયોગી બન્યા હોવાનું બહાર આવ્યું છે. અત્યાર સુધી ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડ ફટકારવા માટે જ એનો ઉપયોગ થતો હોવાની માન્યતા હતી, ત્યારે શહેરના પ્રતાપગંજ વિસ્તારમાંથી માનસિક બીમારથી પીડાતી વૃદ્ધા લાપતા થયા બાદ ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી કેમેરાના ફુટેજની મદદથી ગણતરીના સમયમાં શોધી કાઢી પરિવારજનો સાથે મેળાપ કરાવ્યો હોવાનો બનાવ બન્યો છે.
નવા પોલીસ કમિશનરે ચાર્જ સંભાળતા જ સિનિયર સિટિઝનની સુરક્ષાને પ્રથમ પ્રાધાન્ય આપ્યું
પોલીસ કમિશનર ડૉ. સમશેર સિંગે ચાર્જ સંભાળતાં જ સિનિયર સિટિઝન્સની સુરક્ષાને પ્રાધાન્ય આપવાનો મત વ્યક્ત કર્યો હતો અને બે દિવસ બાદ જ આ વાતનો પુરાવો ક્રાઈમ બ્રાન્ચે પ્રજા સમક્ષ રજૂ કર્યો છે. ઘરેથી નીકળી ગયેલી પ્રતાપગંજની માનસિક અસ્વસ્થ 70 વર્ષીય વૃદ્ધાને ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં શોધી કાઢી હતી અને પરિવારજનોને સોંપ્યા હતા. જેને પગલે એમ કહી શકાય છે કે, પોલીસ કમિશનર રહેશે ત્યાં સુધી વડોદરામાં સિનિયર સિટિઝન ખોવાશે નહીં અને સિનિયર સિટિઝન સુરક્ષા અનુભવશે.
શું છે સમગ્ર બનાવ?
પ્રતાપગંજ વિસ્તારમાં રહેતા 70 વર્ષીય બિંદુબેન ત્રિવેદી માનસિક બીમારીથી પીડાય રહ્યા છે. બિંદુબેન પરિવારજનોની જાણ બહાર ઘરેથી નીકળી ગયાં હતાં અને ક્યાંક જતાં રહ્યાં હોવાથી પરિવારજનો ચિંતિત બન્યા હતા અને આખરે પોલીસને જાણ કરી હતી. પોલીસ કમિશનર ડૉ. સમશેરસિંગ અને એડિશનલ પોલીસ કમિશનર ચિરાગ કોરડિયાની સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જયદીપસિંહ જાડેજા અને એસીપી ડી.એસ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમ.આર.સોલંકી અને આર.સી. કાનમિયાની દોરવણી હેઠળ અલગ-અલગ ટીમો બનાવી વૃદ્ધાની શોધખોળમાં લાગી હતી. ટીમોએ સીસીટીવી ફુટેજો ખંખોળીને જોતાં ગણતરીના કલાકોમાં જ માનસિક અસ્વસ્થ બિંદુબેનને છાણી ખાતેથી શોધી કાઢયાં હતાં અને પરિવારજનોને સુપરત કર્યા હતાં. જેને પગલે પરિવારજનોએ હાંશકારો અનુભવ્યો હતો તેમજ પોલીસતંત્રનો આભાર માન્યો હતો.