વડોદરા : વડોદરા શહેર પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર આવેલા અને અકસ્માત ઝોન તરીકે જાણીતા દુમાડ ચોકડી અને દેણા ચોકડી રૂપિયા 52 કરોડના ખર્ચે અન્ડર પાસ અને ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. અકસ્માત નિવારવા અને ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળી રહે તે માટે વડોદરા વાસીઓ ઉપરાંત ગુજરાતના અનેક લોકો માટે આ ખુબજ સરળતાથી પસાર થઈ શકે તેવા અન્ડર પાસ અને દુમાડ ઓવરબ્રિજનું નિર્માણ કરી વ્યવસ્થા કરવામાં આવી છે.
કયા રુટ પર ફાયદો : આ બંને સ્પોટનું લોકાર્પણ કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરી અને રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આવતીકાલે શુક્રવારે 2 જૂને કરવામાં આવશે. આ બ્રિજથી અમદાવાદથી સુરત અને મુંબઈ તરફ જતા વાહનચાલકોને ખૂબ જ સરળતા રહેશે.
આવતીકાલે કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરી વડોદરા ખાતે આવી રહ્યા છે. એક વર્ષ પૂર્વે દુમાડ પાસે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. અમદાવાદથી સુરત કે મુંબઈ જનારા લોકો માટે બે બે કલાક ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડતો હતો આ ટ્રાફિક સમસ્યાને લઈ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને રજૂઆત કરવામાં આવી હતી. આ સમસ્યાને લઈ બ્રિજનું નિર્માણ થાય તે માટે તેઓ દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યો હતો...રંજનબેન ભટ્ટ (સાંસદ)
52 કરોડના ખર્ચે નિર્માણ : આવતીકાલે દુમાડ બ્રિજ કે જે કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરી દ્વારા ખાતમુહૂર્ત કરાયું અને દેણા અંડરપાસનું ખાતમુહૂર્ત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બ્રિજ અને અંદર પાસ 52 કરોડના ખર્ચે બનીને તૈયાર થયો છે. તેનું લોકાર્પણ કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરી અને રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવશે. દેણા અન્ડર પાસ હાઇવેથી લોકોની અવરજવર થતી હતી અને આગળ કોલેજ હોવાથી અહીં કેટલાય બ્લેકસ્પોટ હોવાથી તેનું નિર્માણ કરવામાં આવ્યું છે.
દિલ્હી-મુંબઈ કોરિડોર નિરીક્ષણ કરશે : આ અકસ્માત સંભવિત ઝોન હોવાથી ખાસ દેણા અન્ડર પાસ અને દુમાડ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં લોકસભાના ધારાસભ્યો, મેયર, શહેર જિલ્લાના અધ્યક્ષ અને ચૂંટાયેલ પ્રતિનિધિની ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમમાં બપોરે 12.30 કલાકે વડોદરા એરપોર્ટ ખાતે આવશે અને દેણા બ્રિજ ખાતે રીબીન કાપી ઉદ્ઘાટન કરશે. આ સાથે સભા મંડપ આવી વિધિવત લોકાર્પણ કરી આ બંને ભેટ વડોદરાને આપશે. આ સાથે દિલ્હી-મુંબઈ કોરિડોર બનવા જઇ રહ્યો છે તેનું નિરીક્ષણ પણ કરશે.
ટ્રાફિકનું ભારણ અને અકસ્માતો ઘટશે : વડોદરા શહેર પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર રોજના હજારો વાહનો પસાર થઈ રહ્યા છે. ત્યારે આ અમદાવાદ-સુરત-મુંબઈને જોડતો માર્ગ હોવાથી અહીં ટ્રાફિનું ભારણ ખૂબ જ હોય છે. દેણા અને દુમાડ ચોકડી ખાતે અકસ્માત અને ટ્રાફિક સર્જાવાની સમસ્યા ખૂબ વધુ જોવા મળતી હતી. અહીં અમદાવાદથી સુરત કે મુંબઈ જતા મુસાફરો બે બે કલાક સુધી ટ્રાફિકમાં ફસાઈ જતા હતાં. જે ઓવરબ્રિજ થતા સીધા ત્યાંથી નીકળી જશે તેથી ટ્રાફિક સમસ્યા નહીં સર્જાય અને અકસ્માતમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. આ રોડ પર છાશવારે અકસ્માત સર્જાતા હતા અને હવે આ ટ્રાફિક અને અકસ્માતની ભીતિમાંથી લોકોને રાહત મળશે જે વડોદરાવાસીઓ માટે ખૂબ મોટી ભેટ છે.