વડોદરા : વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલ અમરેશ્વર ગામની નવીનગરી વિસ્તારમાં રહેતી એક સગીરાને 2018 ની સાલમાં એક આરોપી પટાવી ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો અને આ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. જેથી સગીરા અને તેના પરિવારજનોએ આ આરોપી વિરુદ્ધ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોકસો એક્ટ મુજબ કેસ ચાલ્યો સાવલી કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને કડક સજા ફટકારાઈ વાઘોડિયા તાલુકાના અમરેશ્વર ગામે બનેલા આ દુષ્કર્મના બનાવ બાબતે સાવલી સ્પેશિયલ અધિક સેશન કોર્ટમાં પોકસો એક્ટ મુજબ કેસ ચાલ્યો હતો. જેમાં નામદાર કોર્ટના ન્યાયાધીશ જે.એ.ઠક્કરે બંને પક્ષોની દલીલો સાંભળી હતી. જેમાં નામદાર કોર્ટના ન્યાયમૂર્તિએ સરકારી વકીલની દલીલો પણ સાંભળી હતી. સરકારી વકીલ સી.જી.પટેલે આ કામના આરોપી વિજય ઉર્ફે પૂનમ મનુભાઈ નાયકને આ દુષ્કર્મના ગુના બદલ પોકસો એક્ટ મુજબ સખતમાં સજા થાય તે માટે ધારદાર દલીલો કરી હતી. સરકારી વકીલે આવા ગુનાઓ આચરતા આરોપીઓને સખતમાં સખત સજા થાય એ બાબતને ધ્યાનમાં રાખી ધારદાર દલીલો કરી હતી.
સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈ કોર્ટે 10 વર્ષની સજા ફટકારી વડોદરા જિલ્લાની સાવલીની સ્પેશિયલ અધિક સેશન કોર્ટમાં આ કામનો કેસ ચાલી જતા નામદાર કોર્ટના ન્યાયાધીશે દલીલો, પુરાવા અને નિવેદનોને ધ્યાને લઈ આ કામના આરોપી વિજય ઉર્ફે પૂનમ મનુભાઈ નાયકને દસ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી તથા વિવિધ કલમો હેઠળ મોટી રકમનો દંડ પણ ફટકાર્યો હતો. જેના કારણે સગીરાને સાચો ન્યાય મળ્યો હતો. તેમજ આવા ગુનાઓ આચરતાં આરોપી ઈસમોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. કોર્ટે સગીરાને વિકટીમ કોમ્પોઝિશન ચૂકવવા માટે પણ ભલામણ કરી હતી.
સગીરાને વળતર ચુકવવાનો પણ હુકમ આ કામનો કેસ સાવલી સ્પેશિયલ અધિક સેશન કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટના ન્યાયાધીશ જે. એ. ઠક્કરે આ બનાવવામાં સગીરાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને રૂપિયા 4,00,000 વિકટીમ કોમ્પોઝિશન ચૂકવવા ભલામણ કરેલ છે અને આરોપીને વિવિધ કલમો હેઠળ ફટકારાયેલ દંડની રકમ પણ ભોગ બનનારને અધિક વળતરરૂપે ચૂકવવા હુકમ કરેલ છે.
સરકારી વકીલે કોર્ટના હુકમને સીમાચિહ્નરૂપ ગણાવ્યો પોકસો એક્ટ હેઠળ નોધાયેલ આ કેસમાં સરકારી વકીલ સી જી પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આરોપીને સખતમાં સખત સજા થાય તે માટે દલીલો કરી હતી. આજે કોર્ટે આપેલા આ ચુકાદાને સરકારી વકીલે સીમાચિહ્નરૂપ ગણાવ્યો હતો અને તેમને જણાવ્યું હતું કે કોર્ટના આ ચુકાદાથી આ પ્રકારના ગુનાઓ આચરતા ઇસમોમાં ગભરાટની લાગણી જોવા મળશે. જેથી સમાજમાં બનતા આવા ગુનાઓ અટકશે. સાવલી સ્પેશિયલ કોર્ટે પોકસો એક્ટ હેઠળ નોધાયેલ આ કેસમાં નામદાર કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજકાલ સગીરાઓ સાથે જે દુષ્કર્મના બનાવો બને છે તે અટકે અને આ ગુનાઓમાં સામેલ આરોપીઓમાં સોપો પડી જાય તેવો મહત્વપૂર્ણ ચુકાદો કોર્ટે આપ્યો છે.