વડોદરા : વડોદરા શહેરના મેયર વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો કરતી બહાર પડેલી પત્રિકાએ શહેર ભાજપામાં ચર્ચનો વિષય બન્યો હતો. આ પત્રિકા કોણે વહેંચી અને ક્યાંથી આવી તે અંગે તપાસ દરમિયાન આ પત્રિકા કોર્પોરેશનના ભાજપાના નેતા અલ્પેશ લીમ્બચીયાના સાળા સહિત બેની સંડોવણી હોવાનું બહાર આવતા તેઓની મોડી રાત્રે ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
રાજીનામાની જાહેરાત : પત્રિકા વહેંચનાર કોર્પોરેશનના શાસક પક્ષના નેતા અલ્પેશ લીમ્બચીયાના સાળાનું નામ સામે આવતા આખરે વડોદરા મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા તરીકે રાજીનામું આપ્યું હોવાની સત્તાવાર જાહેરાત ભાજપ શહેર અધ્યક્ષ ડો.વિજય શાહે કરી હતી. આ જાહેરાત સાથે જ શહેર ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. ભાજપના જ નેતાના પક્ષના વ્યક્તિએ ભાજપના મેયર સાથે કરેલ હરકતને લઈ હાલમાં શહેરમાં ભારે ચર્ચાઓએ જોર પકડ્યું છે.
જે વ્યક્તિની ધરપકડ થઈ છે તે સીધા પાર્ટી સાથે જોડાયેલા નથી. આ વ્યક્તિ શાસક પક્ષના નેતાના સાળા છે જે સંદર્ભે તેઓએ ગઈ કાલે રાજીનામાં અંગે વિનંતી કરી હતી જે પાર્ટી દ્વારા સ્વીકારવામાં આવી છે. ગઈ કાલે રાત્રે જ પક્ષના નેતાની જવાબદારીમાંથી મુક્ત થયા છે. આ બનાવમાં તેઓનો હાથ છે કે કેમ તે અંગે પોલીસ પોલીસનું કામ કરી રહી છે. કોઈ વ્યક્તિ કુટુંબના છે એટલા માટે તેઓ જવાબદાર છે તેવું પણ ન માની શકાય અને નથી તે પણ રીતે ન માની શકાય તે માટે પોલીસ તેઓની રીતે તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં જે કઈ સાચી માહિતી સામે આવશે તે બાદ મોવડી મંડળ સાથે વાતચીત કરી પછી નિર્ણય કરવામાં આવશે...ડો. વિજય શાહ(શહેર ભાજપ અધ્યક્ષ)
ક્રાઇમબ્રાન્ચે ધરપકડ કરી : વડોદરાના પ્રથમ નાગરિક મેયર નીલેશસિંહ રાઠોડ સામે ભ્રષ્ટાચારના ચોંકાવનારા આક્ષેપો કરતી પત્રિકા નનામી વ્યક્તિ દ્વારા બહાર પાડવામાં આવી હતી. જેને લઈ શહેર ભાજપમાં ખૂબ ચર્ચાઓ ચાલી હતી. મેયર સાથે થયેલ આ વર્તનને લઈ શહેર ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો હતો અને ભાજપાના આબરુના ધજાગરા ઉડાવી દેનાર આ પત્રિકા અંગે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઇ હતી. ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકોમાં સીસીટીવી ફૂટેજ અને ટેકનોલોજીના સર્વેલન્સ આધારે પત્રિકા કાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં શાસક પક્ષના નેતા અલ્પેશ લીમ્બચિયાના સાળા અમિત લીમ્બચીયા અને આકાશ નાઇની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
અલ્પેશ લીમ્બચીયા સામે કાર્યવાહી થશે : શહેર ડીસીબીમાં ફરિયાદના આધારે પોલીસે મોડી રાત્રે ટેક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફુટેજના આધારે કોર્પોરેશનના ભાજપના નેતા અલ્પેશ લીમ્બચિયાના સાળા અમિત ઘનશ્યામ લીમ્બચીયા (રહે. મંગલાગ્રીન સોસાયટી, તરસાલી વડોદરા) અને તેમના અન્ય એક આકાશ ગીરીશભાઇ નાઇ (રહે. મોતીનગર-2, તરસાલી વડોદરા) ધરપકડ કરી છે. પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા શહેર ભાજપા દ્વારા પણ કાઉન્સિલર અને કોર્પોરેશનના પક્ષના નેતા અલ્પેશ લીમ્બચીયા સામે પણ કાર્યવાહી કરવાની કવાયત શરૂ કરી દીધી હતી. આ કાર્યવાહીમાં કોણ જવાબદાર છે તે તો બાદમાં ખબર પડશે પરંતુ હાલમાં શાસક પક્ષના નેતા તરીકે અલ્પેશ લીમ્બચિયાએ રાજીનામું આપ્યું હોવાની જાહેરાત શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહે કરી હતી.