વડોદરા : છેલ્લા કેટલાય સમયથી વડોદરામાં આવાસના મકાનોમાં રહેતા રહીશોની ઉગ્ર માંગ છે કે તેમના મકાનની છત પરથી પોપડા ખરી રહ્યાં છે. ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે અથવા તો રી ડેવલોપમેન્ટ કરવામાં આવે. અનેકવાર આ રૂઆત છતાં કોઈ સાંભળતું નથી અને તેના બદલામાં જર્જરિત હોવાની અને મકાન ખાલી કરવાની નોટિસો આપવામાં આવે છે. જેથી આજે તમામ વિસ્તારના લોકો મુખ્યપ્રધાનને સીધા પોતાની રજૂઆત કરવા માટે ગાંધીનગર ખાતે બસ લઇને રવાના થયાં હતાં.
માત્ર 10 વર્ષમાં જર્જરિત આવાસ : શહેરમાં હાલમાં વાઘોડિયા રોડ ખાતે આવેલ જીવનનગર, તરસાલીમાં આવેલ હિંમતનગર અને વેમલી ખાતે બનાવેલ આવાસોના મકાનો ફાળવવામાં આવ્યા ત્યાંથી આજદિન સુધી 10 થી 12 વર્ષ થયાં હોવા છતાં મકાનો જર્જરીત બન્યા છે. સાથે અનેક સુવિધાઓના નામે ભ્રષ્ટાચાર થયો છે. પરંતુ હાલમાં સ્થાનિકો દ્વારા વડોદરા શહેરના જવાબદાર અધિકારીઓને રજુઆત કર્યા બાદ સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થાની જગ્યાએ નોટીસ આપીને હેરાનગતિ કરવામાં આવી રહી છે. હાલમાં તમામ આવાસોના લાભાર્થીઓ ભયભીત થઇ જીવન જીવી રહ્યા છે.
કોઈ સાંભળવા તૈયાર નથી : આ અંગે સામાજિક કાર્યકર કમલેશ પરમાર સહિત મોટી સંખ્યામાં હિંમતનગર આવાસના રહીશો ખાનગી વાહનોમાં રાજ્યના મુખ્યપ્રધાનને રૂબરૂ રજુઆત માટે ગાંધીનગર જવા રવાના થયા છે. આ અંગે કમલેશ પરમારે જણાવ્યું હતું કે...
આજે શહેરમાં માનવતા મરી પરવારી છે. હિંમતનગર હોય, જીવનનગર હોય કે વેમાલી આવાસના મકાનો હોય જેના લાભાર્થીઓના મકાન જર્જરિત થઇ ગયા છે અને તેના વૈકલ્પિક વ્યવસ્થાને બદલે નોટિસો આપવામાં આવી છે. આ સાથે સ્થાનિક નેતાઓ, અધિકારીઓને વારંવાર રજુઆત કરવામાં આવી છે સાથે એમજીવીસીએલ દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે. ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાનને અરુઆત કરવા જઈ રહ્યા છીએ અને અમને આશા છે કે અમારી વાત સાંભળશે.કમલેશ પરમાર (સામાજિક કાર્યકર)
વૈકલ્પિક વ્યવસ્થા મળે : આ સાથે લાભાર્થી પૂજાબેને જણાવ્યું હતું કે, અમારી માત્ર એટલી જ રજૂઆત છે કે કબ્જેદાર, ભોગવટદારને વૈકલ્પિક વ્યવસ્થા સાથે રીડેવલોપમેન્ટ કરી આપે અમારી જગ્યા પર. અમે મુખ્યપ્રધાનને આ અંગે રજુઆત કરવા જઈ રહ્યા છીએ તો અમારી યોગ્ય રજુઆત મુખ્યપ્રધાન સાંભળશે અને વૈકલ્પિક વ્યવસ્થા પુરી પાડશે.