વડોદરા : બરોડા ડેરીમાં પ્રમુખ ઉપપ્રમુખને લઈ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ દ્વારા બરોડા ડેરીના પ્રભારી રાજેશ પાઠકને મેન્ડેટ લઇને મોકલવામાં આવ્યા હતા. જો કે પ્રભારી દ્વારા લાવવામાં આવેલા મેન્ડેટમાં 13 માંથી 11 ડિરેક્ટરોએ તેનો વિરોધ કર્યો હતો. વિરોધના વંટોળ વચ્ચે પ્રભારી તમામને સમજાવવા માટે 3 વાગ્યા સુધીનો સમય માંગ્યો હોવાની ચર્ચા થતા તેઓને સાંજવવામાં નિષ્ફળ નિવડતા આખરે ચૂંટણી મુલતવી રાખવી પડી હતી. ચર્ચા હતી કે ભાજપે સત્તાનો ઉપયોગ કરી આ ચૂંટણી મોકૂફ રખાવી છે પરંતુ આવનાર 3 જુલાઈના રોજ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે કે બરોડા ડેરીના પ્રમુખ કોણ બને છે.
આત્મવિલોપનની ચીમકી : ચૂંટણી પ્રક્રિયા પૂર્વે મેન્ડેટ આવ્યો હોવા છતાં ચૂંટણી અધિકારી હજાર ન રહેતા હાઈ વૉલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. અધિકારી હજાર ન રહેતા રોષે ભરાયેલ છોટાઉદેપુરના સંગ્રામસિંહ રાઠવા દ્વારા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. તેમણે ચીમકી આપી હતી કે જો 10 મિનિટમાં પ્રાંત અધિકારી નહીં આવે તો બરોડા ડેરીના ધાબા પરથી હું છલાંગ લગાવીશ. પરંતુ સમય વીતવા છતાં ચૂંટણી અધિકારી હજાર ન રહ્યા અને આખરે ચૂંટણી પ્રક્રિયા આગામી તારીખ જાહેર થતા મામલો ઠંડો પડ્યો હતો.
આજે ચૂંટણી અધિકારીની હાઈકોર્ટમાં તેઓની તારીખ હોવાથી તેઓ સમય ફાળવી ન શકતા આવી શક્યા નથી. જેના કારણે આજની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે. મેન્ડેટ ખુલ્યો જ નથી અને જો ખુલ્યો હોત તો તે પ્રમાણે અમે મતદાન કરત. મેન્ડેડ ખુલ્યો જ નથી તો પછી વિરોધનો સવાલ જ શું ઉભો થાય. જે મેન્ડેટ આવ્યો છે તે જ આગામી ચૂંટણીમાં રજૂ થશે.તે પાર્ટીનો વિષય છે અને જે પાર્ટી નક્કી કરે છે તે સર્વમાન્ય હોય છે...સતીષ પટેલ ( બરોડા ડેરીના વર્તમાન પ્રમુખ)
જી. બી. સોલંકી દાવેદારી નોંધાવશે : તો આ અંગે બરોડા ડેરીના પૂર્વ પ્રમુખ જી. બી. સોલંકીએ જણાવ્યું હતું કે, અગાઉ 3 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં હાઇકોર્ટમાં હોવાના કારણે આવી શકાય તેમ નથી. ચૂંટણી પ્રક્રિયા આગામી 3 જુલાઈના રોજ કરવામાં આવશે. આ પ્રથમ ઘટના છે કે સહકાર ક્ષેત્રમાં પ્રથમવાર ચૂંટણી રદ કરવામાં આવી છે. પ્રમુખ તરીકે હું પણ ઉમેદવારી નોંધાવવાનો હતો.