વડોદરા : વાઘોડિયા એપીએમસીમાં અને જરોદમાં 3 મહિના અગાઉ રોડ બનાવવામાં આવ્યો હતો. નવા બનેલા રોડની ગુણવત્તા ખરાબ જણાઇ આવતાં વિસ્તારના રહીશોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. નાગરિકોની રજૂઆતોને ધ્યાને લઈને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રોડના સેમ્પલ લેવડાવ્યા હતાં. આ સેમ્પલ તેના પૃથક્કરણ માટે લેબોરેટરી ટેસ્ટ માટે પણ મોકલ્યા હતા. ત્યારે નવા બનેલા રોડમાં કોંક્રિટ રોડનો લેબ ટેસ્ટ ફેઇલ થયો હચો.
મુખ્યપ્રધાનને પત્ર લખ્યો : આશ્ચર્યજનક રીતે લેબ ટેસ્ટમાં કોંક્રિટ 75 ટકાથી વધુ નબળી ગુણવત્તાવાળું જણાઈ આવ્યું હતું. કોંક્રિટ રોડનો લેબ ટેસ્ટ ફેઇલ જતાં રોડના કામના કોન્ટ્રાક્ટરે યોગ્ય ગુણવત્તા જાળવી નથી તે સ્પષ્ટ થયું હતું. જેથી સરકારનાં નાણાંનો દુર્વ્યય ન થાય તે કારણે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મુખ્યપ્રધાનને આ બાબતે પત્ર લખ્યો છે. તેમણે કોન્ટ્રાક્ટર સામે શિક્ષાત્મક પગલાં લેવા અપીલ કરી છે.
ત્રણ જ મહિનામાં રોડ ખખડધજ : યોગ્ય ગુણવત્તા જળવાઈ ન હોવાના કારણે માત્ર ત્રણ જ મહિનામાં રોડ ખખડધજ બની ગયો છે. ત્યારે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના પત્રમાં જણાવ્યું હતું કે સરકાર નાગરિકોની સુખાકારી માટે કરોડોનો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ આવા લોભિયા કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી ગુણવત્તાનું મટિરીયલ વાપરીને કામ પૂરું કરાતું હોય છે જેમાં પ્રજાની સુખાકારી જળવાતી નથી. સરકારે પ્રજાની સુખાકારી માટે વાપરેલા કરોડો રૂપિયાનો વ્યય થતો હોવાનું અહીં જણાઈ આવે છે.
ભ્રષ્ટાચારનું ઉદાહરણ : વાઘોડિયા એપીએમસીમાં અને જરોદના રોડમાં કોંક્રિટ રોડનો લેબ ટેસ્ટ ફેઇલ જોઇને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે વાત કરી હતી જેમાં જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. રોડનું કામ યોગ્ય રીતે ન થતાં નાગરિકોના નાણાંનો વ્યય થયાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. આ ઉપરાંત ટેન્ડરની શરતોનો ભંગ થતો હોવા બદલ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા માટેની માગણી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં કરી હતી.
18.75 ની ગુણવત્તા નથી : ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કરાવેલા રોડના સેમ્પલ લેબ ટેસ્ટના પૃથ્થકરણના પરિણામમાં યોગ્ય ગુણવત્તા જણાઇ નથી. બંન્ને રોડના માપદંડ મુજબ 18.75 ની ગુણવત્તા હોવી જોઈએ.કોંક્રિટ રોડના સેમ્પલના લેબોરેટરી ટેસ્ટના રિપોર્ટમાં સામે આવ્યું હતું કે તમામ રસ્તાની સ્ટ્રેન્થ 5.60, 10.98 અને 8.04 આવી રહી છે. આ માપદંડ યોગ્ય માપદંડના 25 ટકા જેટલી પણ નથી. આ અંગે જવાબ મેળવવા રણજિત કન્સ્ટ્રક્શન એજન્સીનો સંપર્ક કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જો કે તેમાંથી કોઇનો સંપર્ક થઇ શક્યો ન હતો.
કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માગ : ઈટીવી ભારત સાથે વાત કરતાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું કે હતું કે કોન્ટ્રાક્ટર કામ કરે છે શરતો મુજબ તેની 3 વર્ષની વોરંટી આપે છે. પરંતુ સ્થિતિ 3 મહિનામાં ખરાબ થતાં કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી માટે મુખ્યપ્રધાને પત્ર લખ્યો છે. તેમજ જવાબદાર અધિકારીઓને પણ આ ઘટના અંગે જાણ કરી છે.
કોન્ટ્રાક્ટર પાસે ફરી કામગીરી કરાવાશે : આ કામગીરીની ગુણવત્તા ન જળવાય તો કોન્ટ્રાક્ટ જવાબદાર વાઘોડિયા એપીએમસીમાં અને જરોદમાં બનાવેલા રોડ બાબતે કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તા જળવાઈ ન હોવાને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. જેને પગલે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, રોડની ગુણવત્તા ખરાબ છે ત્યારે કોન્ટ્રાક્ટર પાસે ફરી કામગીરી કરાવવામાં આવશે.
આરએન્ડબી વિભાગે શું કહ્યું : જ્યારે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ( આરએન્ડબી વિભાગ) સી.કે. જોષીએ જણાવ્યું કે અગાઉ વિભાગ દ્વારા ટેસ્ટ કરાવવામાં આવ્યા હતાં તે સમયે પહેલાં વ્યવસ્થિત પરિણામ મળ્યાં હતાં. પરંતુ વિભાગ દ્વારા 10 ટકા મટિરીયલ ગેરીમાં અને અન્ય 90 ટકા મટિરિયલના ટેસ્ટ સરકાર માન્ય લેબમાં કરાવવામાં આવી રહ્યા છે. રોડની ગુણવત્તા ખરાબ જણાતાં કોન્ટ્રાક્ટર પાસે ફરીથી કામગીરી કરાવવામાં આવશે.