વડોદરાઃ સોમવારે સાવલી તાલુકામાં આવેલા ટૂંડાવ ગામની સીમમાં આવેલી ખાનગી કંપનીના કામદારોની છટણી કરવામાં આવી હતી. જે કારણે સ્થાનિક કામદારો કોરોના મહામારીના કપરાકાળમાં રોજી છીનવાઈ જતા પોતાની સાથે થયેલા અન્યાય સામે તમામ કામદારોએ સાવલી તાલુકા સેવા સદન ખાતે પહોંચી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
સાવલી તાલુકાના ટૂંડાવથી અંજેસર જવાના રોડ પર આવેલી ખાનગી કંપનીમાં 70થી વધુ કામદારોની છટણી અને 11 જેટલા કામદારોને હડતાળ ના તોહમતનામાં હેઠળ તપાસના કારણે ફરજ મોકૂફ કરાતા સાવલી તાલુકા સેવા સદન ખાતે કંપની સંચાલકો સામે આક્રોશ અને સૂત્રોચ્ચાર કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કામદારોએ સોશિયલ ડિસ્ટન્ટસિંગ અને ફરજીયાત માસ્કના નિયમનું પાલન કર્યું હતું. કામદારોએ સાવલી પ્રાંત અધિકારીને તેમની રજૂઆત કરવા આવેદન આપ્યું હતું.
કામદારો અને આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ટૂંડાવ ગામની સીમમાં કંપની આવેલી હોવાથી સ્થાનિક લોકોને રોજીરોટી મળી રહેતી હતી અને વર્ષોથી પાયાના કાર્યકર કામદાર તરીકે ફરજ બજાવી રહ્યા હોવા છતાં કંપનીએ કામદારોને કાયમી ન ગણી અને કોન્ટ્રાકટબેજ પર રાખ્યા હતા. કોરોના મહામારીના કપરાકાળમાં છટણી કરી છુટા કરી અન્ય લેબરકોન્ટ્રાકટર દ્વારા પરપ્રાંતીય અને બહારથી બીજા કામદારો લાવી કંપની ચલાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ કામદોરોએ કર્યો હતો. કામદારોએ આક્રોશ સાથે મુખ્ય પ્રધાન અને અન્ય અધિકારીઓને ઉદ્દેશી લખાયેલા આવેદનપત્ર સાવલી પ્રાંત અધિકારીને સુપ્રત કરાયું હતું.