વડોદરા : શહેર-જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે અત્યાર સુધીમાં સિઝનનો 40 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. હાલમાં પણ રાજ્યમાં વરસાદી સિઝન ચાલી રહી છે. શહેરમાં ગત રોજ 54 મિમી વરસાદ નોંધાયો હતો. અત્યાર સુધીમાં વડોદરામાં 478 મિમી એટલે કે 19.12 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સરેરાશ 40.09 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. હાલમાં શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી કાલાઘોડા ખાતે 14.17 ફૂટે વહી રહી છે. જ્યારે આજવા સરોવરની જળ સપાટી 209.85 ફૂટ જોવા મળી રહી છે.
શહેર જળબંબાકાર : વડોદરા શહેરમાં ગત રોજ 2 ઇંચથી વધુ વરસતા વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના માંડવી, ન્યાયમંદિર, રાવપુરા, મચ્છીપીઠ, કારેલીબાગ, સમા, નિઝામપુરા, આજવા રોડ, વાઘોડિયા રોડ અને માંજલપુર, ગોત્રી, ભાયલી સહિતના તમામ વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી અને વાહન ચાલકો અટવાઇ ગયા હતા. તો બીજી તરફ શહેરના સમા વિસ્તારની સોસાયટીઓ અને ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. આ ઉપરાંત અલકાપુરી ગરનાળુ ભરાઈ જતા વાહન વ્યવહાર માટે ગરનાળુ બંધ કરવાની ફરજ પડી હતી. જોકે, મોડી રાત્રે ધીમે ધીમે પાણી ઉતરવા લાગ્યા હતા.
વિશ્વામિત્રીમાં નવા નીર : શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં સતત વધારો થઇ રહ્યો છે. વિશ્વામિત્રીની ભયજનક સપાટી 26 ફૂટ છે. જેથી હાલ શહેરીજનો માટે ચિંતાનું કોઈ કારણ નથી. પરંતુ ઉપરવાસમાં વધારે વરસાદ પડે તો વિશ્વામિત્રી નદીની આજવા ડેમના દરવાજા 211 ફૂટે સ્થિર કર્યા છે. હાલ આજવા સરોવરની જળ સપાટી 209.85 ફૂટ છે. આજવા સરોવરની ભયજનક સપાટી 214 ફૂટ છે. વધુ વરસાદ પડતાં આજવા સરોવરમાંથી પાણી વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવે છે. હાલ શહેરમાં આજવા સરોવરથી 10 લાખ લોકોને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.