- પાદરા પોલીસ આડેધડ દંડ ઉઘરાવતી હોવાના આક્ષેપ ઉઠ્યા
- ધારાસભ્યએ ગૃહ પ્રધાનને પત્ર લખી કરી રજૂઆત
- ખોટી રીતે વસૂલતા દંડને અયોગ્ય ગણાવી નારાજગી દર્શાવી
વડોદરાઃ કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે પોલીસ દ્વારા માસ્ક નહીં પહેરવા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે પાદરામાં આડેધડ ઉઘરાવાતા દંડ સામે ધારાસભ્યએ નારાજગી સાથે ગૃહ પ્રધાનને પત્ર લખ્યો છે.
ટ્રાફિકનો ટાર્ગેટ પૂરો કરવા માસ્કના નામે દંડની વસૂલાત
કોરોનાકાળમાં માસ્ક નહીં પહેરનારા સામે અને ટ્રાફિકનો ટાર્ગેટ પૂરો કરવા માટે પાદરા પોલીસ મથક હદમાં આવતા તમામ વિસ્તારોમાં આડેધડ દંડ વસુલ કરવામાં આવતા પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ પઢીયારે ખોટી રીતે વસૂલતા દંડને અયોગ્ય ગણાવી નારાજગી દર્શાવી હતી.
ખોટી રીતે પ્રજાને હેરાન કરતા પોલીસ તંત્ર સામે રોષ
પાદરા તાલુકના ખેડૂતો શાકભાજી લઈને પાદરા શાકમાર્કેટ જતા હોય, ત્યારે કેટલાક લોકોને હેરાનગતિ કરતા હોવાની વ્યાપક પ્રમાણે રજૂઆત મળી હતી. જેથી ધારાસભ્યએ માસ્ક પહેરવું ફરજીયાત ગણાવ્યું, પરંતુ ખોટી રીતે પ્રજાને હેરાન કરતા પોલીસ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી. આ સાથે જ ધારાસભ્યએ પોલીસ વિભાગ પોતાનો રોજિંદા ટાર્ગેટ પૂર્ણ કરવા માટે પાદરાના મુહવડ, કરખડી, મુવાલ સહિત પાદરા શહેરમાં અને કોટવાળા વિસ્તારમાં દંડની કાર્યવાહી સામે રોષ વ્યકત કર્યો હતો. આ માટે ધારાસભ્યએ રાજ્યના ગૃહ પ્રધાનને પત્ર લખ્યો હતો.