વડોદરા : ડભોઇ અને સંખેડા તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીના પટમાં ભૂમાફિયાઓ અવારનવાર બિનઅધિકૃત રીતે રેતી ઉલેચતાં હોવાની ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે. જેના કારણે આ વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગ અવાર-નવાર સપાટો બોલાવતું હોય છે. તેમ છતાં આ ભૂમાફિયાઓ બેફામ બની રેતી ખનન કરતા જ રહે છે. જેના કારણે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ આ વિસ્તારમાં કડક કાર્યવાહી હાથ ધરી હતી.
નદીના પટમાંથી વાહનો ઝડપાયા : ખાણ ખનીજ વિભાગે ડભોઇ પાસેના સંખેડા તાલુકાના રતનપુર (ક) પાસેથી પસાર થતી નદીના પટમાં કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બિનઅધિકૃત રીતે રેતીનું ખનન કરતા ત્રણ વાહનો ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ ઝડપી પાડ્યા હતા. આ ત્રણ વાહનોને સીઝ કરી વાહન માલિકો સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. જેથી બિનઅધિકૃત રીતે ખનન કરતા ભૂમાફીયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
70 લાખ ઉપરાંતની કિંમતના વાહનો સીઝ કરાયા : ડભોઇ પાસે ઓરસંગ નદીના પટમાં આવેલા પોર્ટમાં 20 હેક્ટર તરીકે ઓળખાતા વિસ્તારમાંથી બીન અધિકૃત રીતે રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે. તેવી માહિતી ખાણ ખનીજ ખાતાને મળતાં વિભાગના કર્મચારીઓ યોગેશ સવજાણી, સંજય પરમાર અને કેયૂર પડિયાએ મળેલી માહિતીને આધારે કાર્યવાહી હાથ ધરી હતી. તેઓ દ્વારા બપોરના સમયે આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી. આ બિનઅધિકૃત વિસ્તારમાંથી રેતી ખનન ચાલતું હોવાનું તપાસમાં ધ્યાન પર આવ્યું હતું. જેથી અત્રેથી એક રેતી ભરવાનું મશીન તેમજ એક રેતી ભરેલી ટ્રક અને એક ખાલી ટ્રક ઝડપી કાઢી હતી. આ ઝડપાયેલા મુદ્દામાલની કિંમત આશરે રૂપિયા 70 લાખ જેટલી થતી હતી.
આ પણ વાંચો : ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ બોલાવ્યો સપાટો, 50 લાખનો મુદ્દામાલ સીઝ
ભૂમાફિયાઓમાં ફફડાટ : ખાણ ખનીજ ખાતાના કર્મચારી યોગેશ સવજાણીના જણાવ્યા મુજબ આ ઝડપાયેલી રેતી ભરવાનું મશીન વિવેકનું તેમજ બે ટ્રકો ઝડપાયા હતા. તે ટ્રકો રણજીત પાટણવાડિયા અને મનુ પાટણ વાડિયાના હતા. ઝડપાયેલા આ મશીન અને ટ્રકો ગોલાગામડી પાસેની ચેકપોસ્ટ પર મૂકવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. ખાણ ખનીજ વિભાગની ટીમે હાથ ધરેલી કડક કાર્યવાહીથી ઓરસંગ નદીમાંથી બિનઅધિકૃત રીતે રેતી ઉલેચતાં ભૂમાફિયાઓમાં મોટો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
આ પણ વાંચો : રેતી માફિયા પર રેડ, ખોટી રીતે થતા ખનન પર લગામ ખેંચાઈ
તંત્રનો સપાટો : ખાણ ખનીજ વિભાગના અધિકારી યોગેશભાઈએ જણાવ્યું હતું કે, ખાણ ખનીજ વિભાગને ચોક્કસ બાતમી મળી હતી કે, ડભોઇ તાલુકા અને સંખેડા તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીના પટમાં રતનપુર (ક) પાસેથી કેટલીક વાહનો બીનઅઘીકૃત રીતે રેતીનું ખનન કરી રહ્યાં છે. જે માહિતીને આધારે ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓએ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં રેતી ઉલેચતું એક મશીન, એક રેતી ભરેલો ટ્રક, એક ખાલી ટ્રક મળી ત્રણ વાહનો સીઝ કરી ગોલાગામડી ખાતેની ચેકપોસ્ટ પર મૂકવામાં આવ્યાં છે. જેની કિંમત અંદાજે 70, લાખ થાય છે અને વાહન માલિકો સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.