- પડતર પ્રશ્નો મુદ્દે MGVCL કર્મચારીઓએ દેખાવો કર્યા
- રેસકોર્ષ મુખ્ય કચેરી બહાર કાળી પટ્ટી પહેરી વિરોધ નોંધાવ્યો
- ઉગ્ર સુત્રોચાર કરી નારાજગી દર્શાવી
વડોદરા : MGVCLના કર્મચારીઓને મળવાપાત્ર ભથ્થાને લઈ કર્મચારીઓએ લડતનો નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે શનિવારે રેસકોર્ષ સ્થિત MGVCLની મુખ્ય કચેરી બહાર ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિના સંયોજક ગિરીશ જોશીની આગેવાનીમાં કર્મચારીઓએ દેખાવો કર્યા હતા. જેમાં કાળી પટ્ટી બાંધી માંગણીઓ મુદ્દે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. આ સાથે સાથે 21મી જાન્યુઆરીએ માસ સીએલ પર જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
એરિયર્સની રકમ સિવાય આ બાબતે કોઈ સમાધાન થશે નહીં
ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિના સંયોજક ગિરીશ જોશીએ જણાવ્યું હતું કે, જીયુએનેલમાં માન્યતા ધરાવતા તમામ 7 યુનિયનો અને એસોસિએશનોની બનેલી ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિ દ્વારા 15 ડિસેમ્બર 2020 ના રોજ જે 2019 માં ઉર્જા પ્રધાનની ચેમ્બરમાં તેમની હાજરીમાં જીયુએનએલ ચેરમેન અને એમડીની સાથે થયેલી ચર્ચામાં જે નક્કી થયેલા મુદ્દાઓ હતા કે, પોઇન્ટ 8 ના મેટ્રિક્સ પ્રમાણે અમે એલાઉન્સ રૂપિયા આપીશું અને જાન્યુઆરી 20 ના પગારમાં તે ચૂકવાઈ જશે. તે બાબતે આજે 1 વર્ષ થઈ ગયું પણ એને કોઈ મંજૂરી મળી નથી. જેના કારણે આ મુખ્ય આંદોલનનો મુદ્દો છે. તા.1-1-16 થી એરિયર્સ સહિત ચુકવણું કરવાનું છે. આજે 5 વર્ષ પુરા થયા છે એ વાતને અને નાનામાં નાના કર્મચારીને પણ રૂપિયા દોઢ લાખનું નુકસાન જઈ રહ્યું છે. એના કારણે કર્મચારીઓનું પણ અમારી પર દબાણ થઈ રહ્યું છે. જેથી તમામ યુનિયનોએ નક્કી કર્યું છે કે, એરિયર્સની રકમ સિવાય આ બાબતે કોઈ સમાધાન થશે નહીં.
તા. 21થી રાજ્યના 45 હજારથી વધુ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરશે
આજે અમે વિરોધ પ્રદર્શન કર્યું છે. આવતી કાલથી 20 તારીખ સુધી તમામ કર્મચારીઓ કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવશે. ત્યારબાદ 21 મી તારીખના રોજ 45 હજારથી વધુ કર્મચારીઓ માસ સીએલ ઉપર જશે અને એના કારણે જો કોઈ અગવડ ઉભી થશે તો એની સંપૂર્ણ જવાબદારી સરકારની અને મેનેજમેન્ટની રહેશે તેવું અલ્ટીમેટમ પણ આપ્યું હતું.