વડોદરાઃ પબ્લીક ટ્રાન્સપોર્ટ સહિતની લોકઉપયોગી સેવાઓનો સોમવારથી પ્રારંભ થયો હતો. લોકોને અગવડતા ઉભી ના થાય તે માટે તમામ કાળજી રાખવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સીંગના ભાગરૂપે 34 સિટની ક્ષમતાવાળી બસમાં 17 મુસાફરોને જ બેસાડવામાં આવશે.
વડોદરા શહેરમાં કુલ 60 રૂટ ઉપર બસો દોડે છે. સોમવારથી પ્રાયોગિક ધોરણે 31 રૂટ ઉપર આ સેવા શરૂ કરવામાં આવી છે. કયા રૂટ ઉપરથી કેટલા મુસાફરો સવારી કરે છે તેનો સર્વે કર્યા પછી રુટ મેપ નક્કી કરવામાં આવશે. વડોદરા શહેર પાસે હાલમાં 150 બસ છે. આ પૈકીની 70 બસો પ્રારંભીક તબક્કે દોડાવાશે જેમાં 20 એ.સી. અને 50 નોન એસી બસોનો સમાવેશ થાય છે. કન્ટેઈનમેન્ટ સિવાયના એરિયામાં પબ્લીક ટ્રાન્સપોર્ટની સુવિધા ઉપલબ્ધ રહેશે.