વડોદરા : મહીસાગરના લીંબડીયા ગામે હોટલ પર જમવા ગયેલા દલિત સમાજના યુવાન સાથે થયેલી માથાકૂટમાં ગંભીર ઇજાઓના પગલે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ ગત રાત્રે યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે મહીસાગર પોલીસે એક્રોસિટી અને મડરની કલમ આધારે હાલમાં ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી SSG હોસ્પિટલ આવી મૃતકના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા પર બેસી રહેવાની ચીમકી ઉચ્ચારી છે.
ધારાસભ્ય દોડી આવ્યા : મહીસાગરના ઇશરોડના રાજુ વેચાતભાઈ ચૌહાણ ગત તારીખ 7 જૂનના રોજ દાલબાટીની હોટલ પર જમવા ગયા હતા. તે દરમિયાન સામાન્ય બાબતે તકરાર બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હોટલ સંચાલક અને અન્ય એક શખ્સ દ્વારા યુવકને બિભત્સ શબ્દો બોલી મારમારતા ઇજાઓ પહોંચી હતી. જેને પગલે હાલમાં SSG હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃતક યુવકના પરિવારે જ્યાં સુધી હત્યારા પકડાય નહીં ત્યાં સુધી આ મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. પરિવારના સમર્થનમાં યુવા કોંગ્રેસ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પણ આવી પહોંચ્યા છે. પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહને ન સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી છે.
મૃતક યુવક કોણ છે : મૃતક યુવક પોતે રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેઓ દાલબાટી હોટલે થયેલી તકરારમાં મૃત્યુ થતા પત્ની સહિત 1 વર્ષનો દીકરો અને 2 વર્ષની દીકરી છોડીને જતા પરિવારમાં ગમગીની ફેલાઈ છે. યુવાન દીકરાને ગુમાવનાર પરિવારમાં આક્રંદ સાથે ન્યાયની માંગ કરી રહ્યો છે. આ મામલે પોલીસે હત્યા અંગે ગુનો નોંધી આરોપીઓ પોલીસ કબજામાં હોવાનું જણાવ્યું છે, પરંતુ જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
ગુજરાતમાં દલિતો પર અત્યાચાર બંધ નથી થઈ રહ્યા. શરૂઆતમાં આ મામલે સ્થાનિક પોલીસે આરોપીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. એસ.પી અને રેન્જ આઈજીને રજૂઆત કર્યા બાદ FIRમાં 302ની કલમ ઉમેરવામાં આવી છે. હાલમાં આરોપીઓ પોલીસની અટકાયતમાં છે, જ્યાં સુધી ધરપકડ નહીં બતાવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહીં. આરોપીઓ અમિત પટેલ અને ધના ડાભી સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે તેવી મારી માંગ છે. - જીજ્ઞેશ મેવાણી (ધારાસભ્ય)
આરોપીઓ સામે એક્રોસિટી, મડરનો ગુનો : આ મામલે લુણાવાડાના DYSP પી.એસ વાલવીએ જણાવ્યું હતું કે, આરોપીઓ સામે ત્વરિત કાર્યવાહી કરી રહ્યા છીએ. આરોપીઓ પોલીસના હાથવેંતમાં છે. જેઓને ઝડપી ધરપકડ કરવામાં આવશે. મૃતક રાજુભાઈને SSG હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન દેહાંત થયું છે. આ મામલે એક્રોસિટી સાથે મડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસ ચાલુ છે. અમિત પટેલ સાથે દાનભાઈ ડાભી સામે કાર્યવાહી કરવામાં આવશે. દાલબાટી બરાબર ન હોવાની તકરારમાં મામલો ગરમાયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આરોપીનું નામ આપવામાં આવ્યું છે કે તેને પકડવો જોઈએ જ્યાં સુધી નહીં પકડે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ. દાલબાટી અંગે માથાકૂટ થઈ અને ત્યાં હોટલ સંચાલકે અને અન્ય એક શખ્સે માર મારતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં મૃત જાહેર કર્યો હતો. આરોપીઓને પકડવામાં આવે. અમને ન્યાય જોઈએ છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહીં. - પૂજાવાલા વણકર (મૃતકના મામા)